વડોદરા, તા. ૧૧

બ્રહ્મસ્વરુપ હરિપ્રસાદ સ્વામીના ૮૮માં પ્રાગ્ટય દિવસ નિમિત્તે હરિધામ સોખડા ખાતે ગુરુ હરિ પ્રાગ્ટય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિવિધ કાર્યક્રમની ઉજવણીની સાથે પ્રેમસ્વરુપ સ્વામીને ચાદર ઓઢાડીને ગાદીપતિ જાહેર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દેશ વિદેશથી હરિ ભક્તો પધારીને પર્વની ઉજવણી કરી હતી. તે સિવાય શહેરના વિવિધ સંતો , મંહતો અનેે રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

બ્રહ્મસ્વરુપ હરિપ્રસાદ સ્વામીના ૮૮માં પ્રાગ્ટય દિવસ નિમિત્તે સતત વિવાદમાં રહેલ હરિધામ સોખડામાં દેશ વિદેશથી પધારેલા હરિભક્તોની બહોળી સંખ્યામાં ગુરુ હરિ પ્રાગ્ટય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણીમાં ૮૮ યજ્ઞ કૂંડો સાથે વિશ્વશાંતિ યજ્ઞ કરવામાં આવ્યું હતું. તે સિવાય સાંજે હરિપ્રસાદ સ્વામીની યાદમાં સંત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ધર્મોના સંતો , મંહતો અને રાજકીય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિવાદો વચ્ચે હરિધામ સોખડાના ગાદીપતિ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ચાદરવિધી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રેમસ્વરુપ સ્વામી મર્સિડીઝ કારમાં બીરાજીને હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.

સમાધાનના પ્રયાસો નિષ્ફળ જવાની શક્યતાઓ

મધ્યસ્થી તરીકેની બેઠક યોજાય તે પૂર્વે હરિધામ સોખડાના ગાદીપતિ તરીકે પ્રેમસ્વરુપ સ્વામીને જાહેર કરાતા દસ હજાર કરોડની સંપતિના વિવાદમાં બન્ને પક્ષો વચ્ચેના સમાધાનના પ્રયાસો નિષ્ફળ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ત્યાગવલ્લભ સ્વામીનું શક્તિ પ્રદર્શન

દસ હજાર કરોડની સંપતિના વિવાદ વચ્ચે ત્યાગવલ્લભ સ્વામી દ્વારા હરિધામ સોખડા ખાતે અમેરિકા અને કેનેડાથી હજારોની સંખ્યામાં ખાસ પધારેલા વિદેશી હરિ ભક્તો સાથે ગુરુ હરિ પ્રાગ્ટય પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે સિવાય ૮૮ કૂંડ બનાવીને વિશ્વ શાંતિ યજ્ઞ યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યુંં હોય તેવું પ્રતિત થતું હતું.

મર્સિડીઝમાં બેસીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા

ગુરુ હરિ પ્રાગ્ટય પર્વની આડમાં ત્યાગવલ્લભ સ્વામીએ તેમનો ખેલ ખરો પાડીને પ્રેમસ્વરુપ સ્વામીને ગાદીપતિ તરીકે જાહેર કરાતા પર્વમાં પધારેલા હરિભક્તોને દસ હજાર કરોડની સંપતિના સ્વામી તેમના આગવા ઠાઠ સાથે મર્સિડીઝમાં બેસીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતા.