પંજાબના અમૃતસરમાં પોશ કોલોનીમાંથી હેન્ડ ગ્રેનેડ મળતાં ખળભળાટ
13, ઓગ્સ્ટ 2021

અમૃતસર-

અમૃતસરના પોશ વિસ્તારમાં આવતા રણજીત એવન્યુમાં શુક્રવારે એક હેન્ડ ગ્રેનેડ પ્રાપ્ત થયો છે. હેન્ડ ગ્રેનેડ મળ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ પણ આવી પહોંચી હતી. આ હેન્ડ ગ્રેનેડ કોઈએ ટિખળ કરવા માટે મુક્યો હતો કે આતંકવાદી ષડયંત્ર હતું તેની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. સ્વતંત્રતા દિવસના પર્વ અગાઉ બોમ્બ મળી આવતા પોલીસ વધુ સાવચેત બની ગઈ છે અને સુરક્ષા કડક બનાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અમૃતસરમાં કેપ્ટન અમરિન્દર સિંહની મુલાકાત અગાઉ ૨૪ કલાક પૂર્વે ગ્રેનેડ મળી આવતા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ગ્રેનેડની માહિતી મળતા પોલીસ કમિશનર ડો. સુખચૈન સિંહ ગિલ, સીપીસી પરમિંદર સિંહ ભંડાલ અને ડીસીપી મુખવિંદર સિંહ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ગ્રેનેડમાંથી પિન કાઢી નાંખવામાં આવી હતી અને પોલીસ અધિકારીઓ બોમ્બ સ્ક્વૉડને બોલાવીને બોમ્બને સુરક્ષિત રીતે કબ્જે લઈ લીધો હતો. પોલીસ કમિશનરે જણાવ્યું કે બોમ્બને સુરક્ષિત સ્થળે ડિફ્યુઝ કરવામાં આવશે. ત્યારબાદ નિષ્ણાતોનો રિપોર્ટ મેળવાશે કે બોમ્બ કેટલો જૂનો છે. અમૃતસર પાકિસ્તાન સરહદ નજીક થોડા દિવસ અગાઉ ગ્રેનેડ સાથે આરડીએક્સ ટિફિન બોમ્બ મળ્યો હતો. શનિવાર અને રવિવાર રાત્રે ફેંકવામાં આવેલા બોમ્બમાં બેથી ત્રણ કિલો આરડિએક્સ હતો. પોલીસને જણાવ્યા મુજબ આ ઉપરાંત પાંચ ગ્રેનેડ અને નવ એમએમના ૧૦૦થી વધુ કારતૂસ મળ્યા હતા. આરડીએક્સ ટિફિન બોમ્બ ઉપરાંત ત્રણ ડિટોનેટર પણ મળ્યા હતા. બોમ્બને સોમવારે સવારે એઆઈએ અને એનએસડી કમાન્ડોની દેખરેખ હેઠળ ડિફ્યુઝ કરાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution