બનાસકાંઠા-

ગુજરાતમાં વરસાદ ખેચવાને કારણે ખેડૂતોમાં દુષ્કાળની ભીતિ લગતી હતી, દુષ્કાળ ઉંબરે પહોંચી ગયેલા ગુજરાતને જાણે છેલ્લી ઘડીએ મેઘરાજા ઉગારી રહ્યું હોય તેવા ચિહ્નોરૂપે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ ને કારણે, રસ્તા નદી માં પરિવર્તિત થઈ ગયા હતા. રસ્તા પર ઊભાં રહેલાં વાહનો તણાવા લાગ્યાં હતાં. લોકો વરસાદી પાણીમાં પોતાના તણાતાં વાહનોને પાણીના પ્રવાહથી બચાવવા દોટ મૂકતા જોવા મળ્યા હતા. ગઈકાલે દિવસભરના ભારે ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદ શરૂ થયો હતો.

ડીસામાં 2 ઈંચ અને વડગામમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજીતરફ સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. તેમાં પણ અમરેલીના કૂકાવાવમાં તો કલાકમાં જ 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો પરંતુ નોંધપાત્ર વરસાદ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં 28 દિવસ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં ખેડૂતોના મૂરઝાયેલા પાકોને નવજીવન મળ્યું છે. જોકે ગઈકાલ સાંજના સમયે દિવભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો. એમાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડતાં, અંબાજી રોડ પર દુકાનો આગળ મૂકેલાં વાહનો વરસાદી પાણીમાં તણાવા લાગ્યાં હતાં.છેલ્લા બે માસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ત્રણ દિવસથી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, અને જોતજોતાંમાં રસ્તા ઉપર પાણી એટલી હદે રેલાયા કે લોકોનાં ઊભેલાં વાહનો પણ તણાવા લાગ્યાં હતાં. બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકના વરસાદી તાલુકાના આંકડા જોઇએ તો અમીરગઢમાં 01 મિમી, કાંકરેજમાં 18 મિમી, ડીસામાં 44 મિમી, થરાદમાં 07 મિમી, દાંતામાં 21 મિમી, દાંતીવાડામાં 17 મિમી, દિયોદરમાં 03 મિમી, ધાનેરામાં 15 મિમી, પાલનપુરમાં 19 મિમી, ભાભરમાં 33 મિમી, લાખણીમાં 31 મિમી, વડગામમાં 76 મિમી, વાવમાં 02 મિમી, સુઇગામમાં 21 મિમી પડ્યો છે. જિલ્લામાં આ વર્ષનો 31.62 ટકા જેટલો એવરેજ વરસાદ નોંધાયો છે.