મધ્યપ્રદેશ-

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના 12 જિલ્લાના 411 ગામોમાં પૂરે ભારે તબાહી મચાવી છે. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વિદિશા, હોશંગાબાદ સહિત રાજ્યના પૂરગ્રસ્ત પાંચ જિલ્લાનું હવાઇ નિરીક્ષણ કર્યું છે. જે ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને લોકો ફસાયેલા છે.

મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. જેમાં કેટલાક સ્થળોએ તો રેકોર્ડતોડ વરસાદ વરસ્યો છે. જેના કારણે નદીઓના પાણી કાંઠા તોડીને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયા છે. રાજ્યના શાજાપુર જિલ્લામાં સતત વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લામાં આવેલી પાર્વતી, કાલીસિંધ, નેવજ, જમઘટ, લખુંદર નદીઓ ગાંડીતૂર બની છે. અર્નિયાકલામાં નદીનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે. જેના કારણે દહેશતમાં લોકોએ બીજા માળે રહીને આખી રાત વિતાવી પડી હતી. શાજાપુર જિલ્લામાં આશરે 200થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે કે, એક ડઝનથી વધુ માર્ગો બંધ છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.