અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાકાળમાં મોટી સંખ્યામાં કોઈ પણ સર્ટીફિકેટ વિના કેટલાગક શખ્સો તબીબી પ્રેકટીસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી રાજ્યના પોલીસ વડાએ આવા કહેવાતા તબીબો એટલે કે મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લેવા માટે સૂચના આપી હતી. પોલીસે સમગ્ર રાજ્યમાંથી બે મહિનાના સમયગાળામાં 50થી વધારે બોગસ તબીબોને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. પોલીસે નકલી તબીબોને ઝડપી લેવા અભિયાન શરૂ કરતા બોગસ તબીબોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મોટાભાગના નકલી તબીબો ગ્રામીણ વિસ્તારમાંથી ઝડપાયાં હતા.

ભરૂચ જિલ્લામાં મેડિકલ ડીગ્રી કે સર્ટીફિકેટ વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટીસ કરી દવાખાના ચલાવતા 14 જેટલા નકલી ડોકટરોને ભરૂચ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોરોના મહામારી વચ્ચે લોકોના જીવન સાથે રમત રમતા નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં 14 જેટલા નકલી ડોકટરોને પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. ભરૂચના દહેજ વાડી વિસ્તાર અને જોલવા તેમજ પરિયાદરા વિસ્તારમાંથી SOG પોલીસે એક મહિલા બોગસ ડોકટર સહિત પાંચ જેટલા તબીબોની ધરપકડ કરી છે. ભરૂચ પોલીસે તમામ બોગસ ડોકટરોની ક્લિનિકમાંથી લાખોની કિંમતની દવાઓ સહિતની અન્ય તબીબી સામગ્રીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.