હાઈ ટેક તસ્કરો, ગુગલ મેપથી મકાનો શોધી ચોરી કરતી બંગાળી ગેંગના 5 ઝડપાયા
09, જાન્યુઆરી 2021

સુરત-

સુરત નજીક હાઈ વે ઉપર ભાડાનું મકાન રાખી ગૂગલ મેપથી ઝાડી ઝાંખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા કે ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રિના સમયે ચોરીના ગુનાને અંજામ અપાતો હોય છે. જેથી પોલીસે આંતર રાજ્ય બંગાળી ગેંગના પાંચ સભ્યોને ઝડપી લીધા છે. ઝડપાયેલા ગેંગના સાગરીતો પાસેથી રોકડ રકમ, મોબાઈલ, દાગીના અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા ૪૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સુરતના છ, વલસાડના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેસનના એક મળી કુલ ૧૦ ગુનાની કબૂલાત કરી છે. તસ્કર ટોળકી પાસેથી રોકડા ૫૪૦૦, મોબાઈલ નંગ-૬, બે કાંડા ઘડિ઼યાળ, સોના ચાંદીના દાગીના, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપીયા ૪૩,૧૨૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સુરતની આજુબાજમાં કીમ અને વરેલી ગામ ખાતે ભાડાના મકાન રાખી બપોરે જમ્યા બાદ બસ, છકડા કે ભાડાની ગાડીમાં સુરતથી ઝાંડી ઝાખરા વાળી જગ્યાની આસપાસના રો હાઉસ, બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રીના સુમારે રેકી કર્યા બાદ ઝાંડી ઝાખરામાં સંતાઈને રાત્રે દોઢથી બે વાગ્યામાં બંધ મકાને ટાર્ગેટ કરી દરવાજાનું લોકનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા. પોલીસની પુછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ, વરાછાના બે, ખટોદરાના એક, વલસાડ રૂરલ, ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય બંગાળી ગેંગના મોહમંદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ (ઉ.વ.૩૫, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ માઝરીયા, કેસપુર, જિલ્લો મેદનીપુર પશ્વિમ બંગાળ), મોહમંદ ફારૂખ ઉર્ફે લોટોન અબ્દુલ શેખ (ઉ.વ.૫૪,વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ બડા બજાર કલકત્તા), હાલીમ આબુલહુસૈન શેખ (ઉ.વ.૩૦, વરેલી ગામ વ્રજધામ સોસાયટી, મૂળ દત્તપુગુર બારાસાત,જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા) અને હફીઝુલ મંડલ કીબરીયા મંડલ(ઉ.વ.૪૭, વરેલી ગામ,મૂળ સ્વરૂપદાહુ, જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા), હસનાન ઉર્ફે સુમન જલાલ ખાન (ઉ.વ.૩૦,વરેલી ગામ, મૂળ લાલટીન હીરા પહાડ ગુવાહાટી આસામ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં ગેંગમાં ૧૦થી ૧૨ જણા છે. અને સન ૨૦૧૬થી ચોરી કરે છે. અત્યાર સુધીમાં ૪૪ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે જેમાં અમદાવાદમાં ૧૨, વડોદરામાં ૮, ભરુચમાં ૭, વલસાડમાં ૬, સુરતમાં ૫, બારડોલીમાં ૨, બીલીમોરામાં ૨ અને નડીયાદમાં ૨ ચોરી કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution