ન્યુ દિલ્હી

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્દ્ર ફડણવીસે રાજ્યમાં રહેલા રાજકીય વિવાદને લઈને ફરી એકવાર સનસની ખુલાસા કર્યા છે. ફડણવીસે દાવો કર્યો હતો કે, ગૃહમંત્રી અનિલ દેશમુખ ક્વારંટાઈન નહોતા પરંતુ લોકો સાથે મુલાકાત કરી રહ્યાં હતાં. સાથે જ ફડણવીસે ઈશારો કર્યો છે કે, તેઓ આ મામલે દિલ્હી જશે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, એન્ટિલિયા કેસમાં અનેક બાબતો સામે આવી છે, જે આશ્ચર્ય પમાડનારી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ફડણવીસે કહ્યું હતું કે, શરદ પવારના દાવા ગઈ કાલે જ ખોટા સાબિત થયા હતાં. જેટલા પણ પુરાવા અત્યાર સુધી સામે આવી રહ્યાં છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ તદ્દન જુઠ્ઠાણું છે. ભાજપે દાવો કર્યો છે કે, પોલીસ રેકોર્ડ પ્રમાણે અનિલ દેશમુખ ૧૭ ફેબ્રુઆરીએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં હતાં, ૨૪ ફેબ્રુઆરીએ તે પોતાના મંત્રાલય પહોંચ્યા હતાં.

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે, તેમની પાસે એક ચિઠ્ઠી છે જેને લઈને તે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ સાથે મુલાકાત કરશે. તેઓ દિલ્હીમાં અપીલ કરશે કે આ ટ્રાંસફર રેકેટની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે.

ગૃહમંત્રી અનિલ દેશમુખ કોરોના પોઝિટીવ આવ્યા હોવાથી ૬ થી ૧૫ સુધી ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં ભરતી હતાં અને ત્યાર બાદ ૨૭ ફેબ્રુઆરી સુધી ઘરમાં જ ક્વારંટાઈન હતા તેવો દાવો ગઈ કાલે શરદ પવારે કર્યો હતો. જેને ફગાવતા પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું હતું કે, શરદ પવારને ખોટી જાણકારી આપીને પત્રકાર પરિષદમાં ખોટુ કહેવડાવવામાં આવ્યું. ફડણવીસે કહ્યું હતું કે, અનિલ દેશમુખ ક્વારંટાઈન નહીં પણ સતત લોકોને મળી રહ્યાં હતાં. જેથી તમામ જાણકરીઓ સામે આવવી જાેઈએ.

રાજ્યમાં ટ્રાસંફર અને પોસ્ટિંગ રેકેટ પણ સમાંતર રીતે ચાલી રહ્યું છે. અમારી સરકારમાં પણ જ્યારે આ બાબત સામે આવી તો અમે આકરી કાર્યવાહી કરી હતી. ફડણવીસે દાવો કર્યો છે કે, તેમની પાસે ફોન કોલના રેકોર્ડિંગ છે, જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, આ તમામ બાબતોની જાણકારી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે પણ હતી.