દક્ષિણ આફ્રિકા-

દક્ષિણ આફ્રિકામાં વ્યાપી રહેલી અરાજકતામાં પોતાનું રક્ષણ પોતે જ કરી લેવાની તીવ્ર ભાવનામાંથી ફિનિક્સની ઘટના સર્જાઈ છે. અહીં ૩૬ લોકો માર્યા ગયા છે જેમાંથી ૩૩ અશ્વેત હતા. હિંસા બદલ ૫૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય લોકોના ટોળાં પોતાની સલામતીની ચિંતામાં શંકાસ્પદ અશ્વેત લોકોને અટકાવે છે, ઘણી વખત રહેંસી નાંખે છે. લોકો સાથે વાત કરતાં જાણવા મળે છે કે જાે પોલીસે રક્ષણની ખાતરી પ્રજામાં જન્માવી હોત તો અરાજકતા ન વ્યાપી હોત. ભ્રષ્ટાચારની તપાસ સમિતિ સામે હાજર ન રહેનાર પ્રમુખ જેકોબ ઝૂમાને કેદમાં નાંખવામાં આવ્યા અને તેમના ટેકેદારોએ હિંસક દેખાવો કર્યા ત્યારથી લૂંટફાટ અને રમખાણોની ઘટનાઓ અનેક વિસ્તારોમાં બેફામ બની છે.

અસમાનતા અને ગરીબી તેમાં પેટ્રોલ છાંટી રહ્યાં છે. સરકાર પાણી અને વીજળી પૂરાં પાડવામાં પણ નિષ્ફળ ગઈ છે. તેથી આખા દશેમાં અરાજકતા વ્યાપી રહી છે.દક્ષિણ આફ્રિકાનું ભારતીયોની પ્રચંડ બહુમતી ધરાવતું શહેર હિંસાથી વિક્ષત થઈ ગયું છે. અશ્વેત જાબુલો લામિનિ અને તેના છ અશ્વેત મિત્રો એક મિનિ બસ ટેક્સીમાં ફિનિક્સ શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં ટોળાએ ટેક્સી અટકાવી બધાને બહાર ખેંચી કાઢયા અને બેટ, હથોડી, હોકી સ્ટિક્સ વગેરેથી તેમને મારવા માંડયા. જે લોકો ભાગી જવા પ્રયાસ કર્યો તેમનો ટોળાએ પીછો કરી પકડી લીધા. માર ખાનાર જાબુલો લામિનિ મૃત્યુ પામ્યો છે. આ ઘટનાની વીડિયો વાઈરલ થઈ જતાં દક્ષિણ આફ્રિકામાં સ્થિતિ ખૂબ જ સ્ફોટક અને ગંભીર બની ગઈ છે. અશ્વેત લોકો અને ભારતીય મૂળના લોકો વચ્ચે ભયાનક અથડામણ ઝળુંબી રહી છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ દૂર થઈ ગયો એ પછી અત્યારે સૌથી ભયાનક નાગરિક અસંતોષથી ધૂંધવાઈ રહ્યો છે. ફિનિક્સ શહેરમાં ભારતીયોની પ્રચંડ બહુમતી એટલા માટે છે કે તેમની સાથે અશ્વેત લોકો ભેદભાવ કરીને તેમને જુદા રહેવા ફરજ પાડતા રહ્યા અને લોકો ફિનિક્સ શહેરમાં આવી વસતા રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી વોટ્‌સએપ ઉપર અશ્વેત યુવાનો દ્વારા હિંસા અને લૂંટફાટની વીડિયો સતત ફરતી હતી અને ભારતીયો માટે ચેતવણી ફરી રહી હતી.