રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. તેમાં પણ રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ પોતાની જીતની દાવેદારીઓ કરી રહ્યાં છે. આ વખતે રાજ્યની મનપાની સ્થાનિક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટીએ પણ ઝંપલાવવા સાથે જનતા પરિષદ પાર્ટીએ તેમજ એનસીપીએ પણ પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઊતાર્યા છે, પરંતુ ગુજરાતમાં વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે, જેમાં મતદારો ભાજપ અને કોંગ્રેસને મહત્વ આપતાં રહ્યાં છે. જ્યારે અન્ય પક્ષોને મહત્વ આપતા જ નથી. કદાચ આપે તો થોડા સમય માટે જે એક હકીકત છે. 


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોને લીલાલેર



ગુજરાતમાં અગાઉના સમયમાં સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી, સ્વતંત્ર પક્ષ, કીમલોપ, જનસંઘ, બસપા, રાજપા જેવા અનેક પક્ષો ચૂંટણી મેદાનમાં આવી ગયા. તેઓમાં મોટા ભાગના ઉમેદવારોની ડિપોઝીટ મતદારોએ જપ્ત કરાવીને સરકારને ચૂંટણી ખર્ચમાં ફાયદો કરાવી આપ્યો છે. તો મોટા ભાગના પક્ષોનો સફાયો પણ કરી નાખ્યો છે કે થઈ ગયો છે. અત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી મેદાનમાં નગારા વગાડતા જોવા મળી રહ્યા છે, પરંતુ બંને પક્ષમાં વિવિધ કારણોને લઇને મોટો હોબાળો કે બળવાખોરી થઈ છે. અને તેનો લાભ લેવા કેજરીવાલની પાર્ટી આપ અને ઓવૈસીની AIMIM પાર્ટીએ ચૂંટણી મેદાનમાં આવી અને પક્ષના નેતાઓને ગુજરાતમાં બોલાવી રોડ શો કરવા સાથે જાહેર સભાઓ પણ યોજી છે, જેમાં સુરત અને અમદાવાદમાં આપના રોડ શો અને સભાને મોટી સફળતા મળી છે. જ્યારે ઓવૈસીના પક્ષને જોઈએ તેટલો આવકાર ન મળ્યો, પરંતુ બંને પક્ષ અને જનતા પરિષદ ભાજપ-કોંગ્રેસને નુકસાન કરી શકે તેવી ધારણા રાજકિય પંડિતોમાં ફરી વળી છે. ભાજપ- કોંગ્રેસમાં પોતાના જ પોતાનાને હરાવશે તેવો ડર પેસી ગયો છે.


ટિકિટની ફાળવણીને લઈને બંને પક્ષોમાં ભારે હોબાળો



અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર મનપાના ઉમેદવાર પસંદગી બાબતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં ભારે ઊહાપોહ થયો હતો. જેમાં દરેક ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારે વિરોધ અને ધમાલ થતાં રહેતા અને પોલીસને સુરક્ષા લેવી પડતી એ જ રીતે આ વખતે બંને પક્ષ ભાજપ-કોગ્રેસમાં મોટો હોબાળો થયો છે અને બંને પક્ષોના કાર્યાલયો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે. ભાજપાએ ઉમેદવાર પસંદગી બાબતનો જે ર્નિણય કર્યો તેનો અમલ કરી બતાવ્યો, પરંતુ અમદાવાદમાં બે ત્રણ વોર્ડમાં પક્ષ પલટુઓની ટિકિટો ફાળવી તો નેતાઓના સગાને અમદાવાદ અને જામનગરમાં ટિકિટો ફાળવી અને વર્ષોથી પક્ષ માટે કાર્ય કરતાં હતા તેઓને પડતાં મુકવામા આવતાં મોટો ઊહાપોહ થઈ ગયો હતો, જ્યારે કે કોંગ્રેસમાં કોંગ્રેસનેજ ખતમ કરવાવાળા બેઠાં હોય તેવી સ્થિતિ બની છે.


આક્ષેપો પ્રતિઆક્ષેપો વચ્ચે યોજાશે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી?


રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓએ ટિકિટો વહેંચી નહીં, પણ વેચી હોવાના નેતાઓ પર આક્ષેપો કરવા સાથે મહિલાઓની પસંદગી કરી છે તેમજ પૈસા લઈને ટિકિટો આપી હોવાના નામ જોગ આક્ષેપો કરવા સાથે મોટો ઊહાપોહ મચી ગયો હતો. જેમાં હાઈ કમાન્ડ દ્વારા પગલા પણ લેવામાં આવ્યા હતા. તેમજ ખાડીયાના ધારાસભ્યને વિશ્વાસમાં રાખી ટિકિટ ફાળવણીમાં મોટો ખેલ ખેલાઈ જવાને કારણે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખને ધરી દેતાં તેનાં ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. જોકે, આ ઘટનાનો સમજાવટ બાદ નાટ્યાત્મક અંત પણ આવ્યો હતો. અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું. જોકે, આ ઘટનાને ભારે હોહા મચી જવા પામ્યો હતો.


ગુજરાતમાં પ્રથમવાર ઓવૈસીના પક્ષ AIMIMએ કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી 


ગુજરાતમાં પ્રથમવાર ઓવૈસીના પક્ષ AIMIM એ કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી હતી. જોકે, તે માત્ર ૬ બેઠક જ લડી રહ્યો છે. જ્યારે સુરત, રાજકોટ, અમદાવાદમાં આપના ઉમેદવારોના રોડ શો ભારે આકર્ષક રહ્યા પરંતુ ઉમટી પડેલાઓના મત તેમને મળશે કે કેમ...? તે મોટો સવાલ છે....બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં અસંતોષ વ્યાપી ગયો છે, એટલે કોનું ભાવિ ડૂબી જાય કે તરી જાય તે કહી શકાય તેમ નથી.