મુંબઈ-

ગગનયાનના યાત્રીઓ જ્યારે અવકાશમાંથી પાછા ફરે ત્યારે તેમને આવકારવાનું માન ગુજરાત રાજ્યને મળવાની શક્યતાઓ છે. સ્પેસગીક્સ મુંબઈ અને અન્ય સંસ્થાઓ દ્વારા આયોજીત એક વેબિનારમાં ઈસરોના અમદાવાદ ખાતેના સ્પેસ એપ્લિકેશન સેન્ટર યાને એસએસીના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ આવી માહિતી આપી હતી. 

તેમણે કહ્યું હતું કે, હાલમાં તેમને ગુજરાતના અરબસાગરકાંઠાના વેરાવળ ખાતે ઉતરાણ કરાવાય એવી ગણતરી છે છતાં તાકીદના ધોરણે અરબસાગરમાં એ સિવાયના બીજા કયા સ્થળોએ તેમને ઉતારી શકાય એ માટેની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે. આ અવકાશયાત્રીઓ જમીન પર ઉતરાણ કરે કે તરત જ તેમને સલામતસ્થળે ખસેડવામાં આવે છે અને તે માટે 15થી 20 મિનિટનો સમય લાગતો હોય છે. આ અવકાશયાત્રાના સભ્યો જેવા ઉતરશે કે તરત જ તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવશે અને એ સમયગાળો પૂરો થયા બાદ જ અમારું મિશન પૂરું થયું ગણાય. 

પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિરથી વેરાવળ માત્ર 6 કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીં મત્સ્યઉદ્યોગનો મોટાપ્રમાણમાં વિકાસ થયો છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાના બજેટ ભાષણમાં ઈસરોના ગગનયાન પ્રોજેક્ટને ખાસ સ્થાન નહોતું આપ્યું. ચાલુ વર્ષના અંતભાગ સુધીમાં ગગનયાન પ્રોજેક્ટનો ટેસ્ટ થશે અને આગામી વર્ષે સમાનવ ગગનયાનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ટેસ્ટ માટે ચાલુ વર્ષે તેને શ્રીહરીકોટા ખાતેથી લોંચ કરવામાં આવશે. જીએસએલવી માર્ક 3 રોકેટમાં વજન લઈ જવાની ક્ષમતા ઓછી હોવાને પગલે સમાનવ ગગનયાનમાં યાત્રીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

આ યાનના યાત્રીઓને રશિયામાં તાલીમ આપી દેવાઈ છે અને એવા બે થી ત્રણ યાત્રીઓ સમાનવ ગગનયાનના સભ્યો હશે અને આ યાન પૃથ્વીથી 275 કિમીથી માંડીને 400 કિમી સુધીની રેન્જમાં ભ્રમણ કરશે, જે ભારત પરથી રોજ સવારે અને સાંજે બે વખત પસાર થશે. કોવિડ-19 મહામારીને પગલે આ યાનના પ્રોજેક્ટને થોડો ધક્કો પહોંચ્યો છે.

આખા અઠવાડિયા દરમિયાનના આ મિશનમાં અવકાશયાત્રીઓ કર્ણાટકના હાસન ખાતેની ઈસરોની માસ્ટર કંટ્રોલ ફેસીલીટી ઉપરાંત સેટેલાઈટની અન્ય સંચાર સેવાઓ થકી બેંગ્લોર ખાતેના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક સાથે પણ જોડાયેલા રહેશે. ઈસરો આજકાલ અવકાશયાત્રીઓની સલામતી માટેના ભિન્ન પાસાઓ પર અભ્યાસ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ચંદ્રયાન-2 મિશનની મર્યાદા હવે વધારીને 7.5 વર્ષ કરી દેવાઈ છે. આ સમયમર્યાદા વધી ગઈ હોવાને પગલે ચંદ્ર અંગે વધારે માહિતી મેળવી શકાશે અને માપન પ્રક્રિયા પણ વધારે ચોક્કસ રીતે કરી શકાશે.