ગાંધીનગર, ગુજરાત પર તોળાઇ રહેલા ‘તૌકતે’ વાવાઝોડાના સંકટની વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં થયેલી ચર્ચા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જણાવ્યા મુજબ હાલ ‘તૌકતે’ વાવાઝોડું ગુજરાતનાં વેરાવળથી ૮૦ કિલોમીટર દૂર દરિયામાં છે. આ ‘તૌકતે’ વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેના દરિયા કિનારે ટકરાય તેવી શક્યતાઓ રહેલી છે. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ૧૫૦ કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. આ વાવાઝોડાના પગલે સમગ્ર રાજયમાં બે દિવસ સુધી રસીકરણની કામગીરી બંધ રહેશે.

આ ‘તૌકતે’ વાવાઝોડાથી સૌથી વધારે રાજ્યના અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લા પ્રભાવિત થશે. જ્યારે રાજકોટ જામનગર, મોરબી, બોટાદ અને આણંદથી લઈને વલસાડ સુધીનાં જિલ્લાઓ સામાન્ય રીતે પ્રભાવિત રહેશે. આ વાવાઝોડા સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સતત ત્રણ દિવસથી યુદ્ધનાં ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાનમાં દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી તમામ બોટ પર આવી ગઇ છે. આ તમામ બોટને સંબંધિત સ્થળો ઉપર લાંગરી દેવાઈ છે. આ વાવાઝોડાને લઈને રાજયમાં દ્ગડ્ઢઇહ્લની કુલ ૪૪ ટીમોને તહેનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજયમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલમાં લાઇટની વ્યવસ્થા ન ખોરવાય તે માટેની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. જ્યારે આઇસીયુ ઓન વ્હીલ જેવી વ્યવસ્થાને પણ સ્ટેન્ડ ટુ રખાઈ છે. દરેક તાલુકા મથકમાં ફોરેસ્ટ અને જીઇબીની ટીમો તહેનાત કરાઈ છે. આ ઉપરાંત તમામ સ્થળોએથી હોર્ડિંગને પણ ઉતારી લેવાયા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની માહિતી મુજબ આ વાવાઝોડુ ગુજરાત પર ત્રાટકશે અને ત્યાંથી રાજસ્થાન તરફ જશે. આ મામલે આજે સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરાઈ છે. આ વાવાઝોડાને લઈને ઝીરો કેઝ્‌યુલ્ટીના એપ્રોચથી સરકારે તમામ તૈયારીઓ કરી છે.

વાવાઝોડાની સંભાવનાને પગલે તા.૧૭-૧૮ મે દરમિયાન રસીકરણ સ્થગિત

ગાંધીનગર  રાજ્યમાં ‘તૌકતે’ વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. ૧૭ અને ૧૮ મે, ૨૦૨૧ એટલે કે, સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના રસીકરણની કામગીરી સ્થગિત રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ ર્નિણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં રસીકરણની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી નાગરિકોને આ બે દિવસો દરમિયાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા માટે પણ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.