મુંબઈ-

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઈન્શ્યોરન્સના પૈસા માટે એક વ્યક્તિએ પોતાની જ પત્ની અને સંતાનની હત્યા માટે સોપારી આપી દીધી. કોન્ટ્રાક્ટ કિલર જ્યારે આરોપીની પત્ની અને બાળકની હત્યા કરવા પહોંચ્યો, તો ૪ વર્ષના બાળકને જાેઈને તેનું દિલ પીગળી ગયું અને તેણે કોઈની હત્યા ન કરી. સાથે જ મહિલાને પણ પતિની હકીકત જણાવી દીધી અને ત્યાંથી જતો રહ્યો. આરોપી વ્યક્તિની ઓળખ અજય યાદવના રૂપમાં થઈ છે. તે આઝમગઢનો રહેનારો છે.

પોલીસે જણાવ્યું કે, યાદવ એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છે. તેની પત્ની રાખી બિહારની રહેનારી છે. બંનેના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના તુરંત બાદ જ બંને વચ્ચે તકરાર થવાનું શરૂ થઈ ગયું. રાખીને શંકા હતી કે તેના પતિ અજયનું ક્યાંક ચક્કર તાલી ચાલી રહ્યું છે. રોજ-રોજના ઝઘડાથી પરેશાન અને રાશીના નામનો વીમો પકવવા માટે અજયે એક ષડયંત્ર રચ્યું. અજયે પત્ની અને દીકરાથી છૂટકારો મેળવવા માટે પોતાના એક મિત્ર રામ પ્રસાદની મદદ લીધી. રામ પ્રસાદે કથિત રીતે તેને કોન્ટ્રાક્ટ કિલર ગજરાત સાથે મુલાકાત કરાવી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, યાદવે ગજરાજને પોતાની પત્ની અને બાળકની હત્યા એવી રીતે કરવા માટે કહ્યું હતું, જેથી તે અકસ્માત લાગે. આ માટે ગજરાજને ૧૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ૨૫ ફેબ્રુઆરીએ ગજરાજ સેલ્સમેન બનીને યાદવના ઘરે પહોંચ્યો. પોલીસે જણાવ્યું કે, ગજરાજે જ્યારે ત્યાં ૪ વર્ષના બાળકને જાેયો તો તેનું હૃદય પીગળી ગયું. તેણે રાખીને તમામ વાત જણાવી દીધી. ગજરાજે રાખીને એક વીડિયો પણ બતાવ્યો, જેમાં યાદવ તેને રાખીની હત્યા કેવી રીતે કરવી તે જણાવી રહ્યો હતો. આ બાદ રાખીએ કવિનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પુરાવાઓના આધારે પોલીસે અજય યાદવ અને રામ પ્રસાદને પકડી લીધા. પોલીસે જણાવ્યું કે, હજુ સુધી જાણી શકાયું નથી કે કોન્ટ્રાક્ટ કિલર ગજરાજ ક્યાં છે, પરંતુ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરીને અને નિશાનના આધારે જલ્દી જ તેની પણ ધરપકડ કરી લેવામાં આવશે.