પતિનો મિત્ર જ પરિણીતાને ફસાવીને અઢી વર્ષ સુધી હોટેલોમાં બોલાવી અને પછી..
08, જુલાઈ 2021

સુરત-

જમીનના સોદાના કામ માટે પતિના મિત્રની ઓફિસે ગયેલી પરિણીતાને કેફી પીણું પીવડાવી પતિના મિત્રએ જ ના કરવાનું કર્યું હતું. એટલું જ નહીં, તેના નગ્ન અવસ્થામાં ફોટા પાડી લઈને તેના આધારે પરિણીતાને બ્લેકમેલ કરીને હવસખોર તેને અઢી વર્ષ સુધી ભોગવતો રહ્યો હતો. આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ કૃત્ય કરનારાની શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે, સુરતના પરવત પાટીયા વિસ્તારમાં રહેતા એક કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરનો ભાગીદાર જીગર મહેતા તેમના ઘરે નિયમિત રીતે અવરજવર કરતો હતો. જીગર કોન્ટ્રાક્ટરની પત્ની અમી (નામ બદલ્યું છે)ને પણ સારી રીતે ઓળખતો હતો. આ દરમિયાન ૨૦૧૯ના અરસામાં અમીના પતિએ પોતાના એક પ્લોટ માટે જીગર સાથે સોદો નક્કી કર્યો હતો.

આ પ્લોટ અમીના નામે હોવાથી જીગરે કેટલાક કાગળ પર સહી કરવાના બહાને અમીને પોતાની ઓફિસમાં બોલાવી હતી. જીગર પરિચિત હોવાથી અમી એકલી જ તેની ઓફિસે પહોંચી હતી. જાેકે, તેને ખ્યાલ નહોતો કે જીગર તેના પર પહેલાથી જ નજર રાખીને બેઠો છે, અને ઓફિસે બોલાવવાના બહાને તેણે કંઈક બીજું જ કરવાનો પ્લાન પણ બનાવી રાખ્યો છે.

જીગરે પોતાની ઓફિસે આવેલી અમીને કેફી દ્રવ્ય નાખેલું ડ્રિંક પીવડાવ્યું હતું. જેને પીતા જ થોડીવારમાં અમીને ઘેન ચઢવા લાગ્યું હતું, અને મિનિટોમાં જ તેને પોતાની સાથે શું થઈ રહ્યું છે તેનું કંઈપણ ભાન નહોતું રહ્યું. તે વખતે જીગરે અમીના ન્યૂડ ફોટોગ્રાફ પાડવાની સાથે તેનો વિડીયો પણ બનાવી લીધો હતો. અમીને જ્યારે ભાન આવ્યું ત્યારે જ તેને પોતાની સાથે કંઈક ખોટું થયું હોવાનું ભાન થઈ ગયું હતું, પરંતુ જીગરે પોતાની પાસે તેના ફોટા અને વિડીયો છે તેવું કહીને અમીને જે કંઈ થયું તે કોઈને પણ ના કહેવા માટે ધમકાવી હતી.

ત્યારબાદ જીગર વારંવાર અમીને અલગ-અલગ હોટેલોમાં બોલાવીને તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. અમી વિરોધ કરે તો તે તેના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. આબરુ જવાની બીકે અમી પણ ચૂપચાપ જીગરની માગણી સંતોષતી હતી. જાેકે, આ ખેલ અઢી વર્ષ સુધી ચાલી રહ્યો હતો, અને અમી હવે જીગરનો ત્રાસ સહન કરવા માટે તૈયાર નહોતી. આખરે હિંમત ભેગી કરીને અમીએ પોતાની સાથે જે થયું તે અંગે પતિને વાત કરી હતી. ત્યારબાદ આ મામલે બે સંતાનોની માતા એવી અમીએ પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ જીગરને પકડી પાડવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution