દિલ્હી-

હાલમાં મોદીના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાનો ચાર્જ સંભાળી રહેલાં મંત્રી પરસોત્તમ રૂપાલા અને મંત્રી મનસુખ માંડવિયાને કેબિનેટમાં સ્થાન અપાઈ તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા બંને પાટીદાર નેતાઓ છે અને ગુજરાતમાં ચાલી રહેલી પાટીદારોની નારાજગી દૂર કરવા બંને નેતાઓને પ્રમોશન મળી શકે છે. પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે અને મનસુખ માંડવિયા લેઉવા પાટીદાર છે જેથી બંને નેતાઓને પ્રમોટ કરી કેબિનેટમાં સ્થાન અપાઈ તો બંને સમાજનું નેતૃત્વ દિલ્હી સુધી છે તેવું દેખાય.

 

આજે વહેલી સવારે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક પણ કરી છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મળેલી તમામ નવા બનનાર મંત્રીઓની બેઠકમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી કેબિનેટ મંત્રાલયના ખાતાઓમાં પણ ફેરફાર કરી રહ્યા છે ત્યારે આ બંને દિગ્ગજ પાટીદાર નેતાઓને પ્રમોશનની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે સરકારે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી કે બંનેને કેબિનેટમાં સ્થાન અપાશે. રાષ્ટ્રપતિ ભવનમાં મોદી કેબિનેટ વિસ્તરણનો શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવા મંત્રીઓને શપથ અપાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ શપથ ગ્રહણમાં ઉપસ્થિત છે. શપથ ગ્રહણ સમારોહમાં 43 મંત્રીઓ શપથ લેવાના છે. મોદી કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના 5 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે.