દિલ્હી-

પંજાબ અને હરિયાણામાં ખેતી કાયદા વિરુદ્ધ 'ખેતી બચાવો યાત્રા' પર નીકળેલા રાહુલ ગાંધી ઘણા મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. મંગળવારે ચીન સાથે સરહદ વિવાદ મામલે રાહુલે હરિયાણાના કુરુક્ષેત્રમાં જાહેર સભામાં પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલે વડા પ્રધાનને 'કાયર' ગણાવ્યા અને કહ્યું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોત, તો તેઓ 15 મિનિટમાં જ ચીનને ખતમ કરી દેત.

રાહુલ ગાંધીએ તેમના ભાષણ દરમિયાન કહ્યું, 'કાયર વડા પ્રધાન કહે છે કે કોઈએ અમારી જમીન લીધી નથી. આજે વિશ્વમાં એક જ દેશ છે, જેની જમીન પર બીજા દેશનો કબજો છે. ભારત એકમાત્ર દેશ છે જ્યાં બીજો દેશ આવ્યો અને તેણે 1200 ચોરસ કિલોમીટર જમીન પર કબજો કર્યો. પીએમ મોદી પોતાને 'દેશભક્ત' કહે છે અને આખો દેશ જાણે છે કે આપણા ક્ષેત્રમાં ચીની શક્તિઓ છે, તેઓ કેટલા દેશભક્ત છે? જો અમારી સરકાર હોત, તો અમે ચીનને 15 મિનિટમાં બહાર જ ફેંકી દીધું હોત.

રાહુલે કહ્યું, 'હું તમને બાંહેધરી આપું છું કે, જ્યારે અમારી સરકાર હતી ત્યારે ચીનમાં એક પગલુ પણ આવવાની શક્તિ નહોતી. આખી દુનિયામાં એક જ દેશ છે, જેના પર બીજા દેશનો કબજો છે અને તે ભારત છે અને આ લોકો પોતાને દેશભક્ત કહે છે. તેમણે કહ્યું કે પીએમ મોદી આ દેશની શક્તિ અને દેશના ખેડૂતોને સમજી શકતા નથી.