સુરત-

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર બચ્ચે થયેલી બેઠક બાદ તા, 14મી જુલાઈથી હીરા બજાર શરૃ થાય તે પહેલાં ગાઈડ લાઈન બહાર જાહેર કરવામાં આવી છે. જેમાં હીરા બજારમાં 10થી વધુ લોકો સંક્રમિત થયેલા બહાર આવશે તો હીરા બજારને સંપુર્ણ બંધ કરી દેવાશે. આ ઉપરાંત મ્યુનિ.ની ટીમ રેન્ડમલી કોઈ પણ યુનિટમાં કર્મચારીઓનું એન્ટીજન ટેસ્ટ કરશે જેમાં કોઈ કામદાર પોઝીટીવ આવશે તો યુનિટ તાત્કાલિક બંધ કરી દેવાશે આ ઉપરાંત સરકાર દ્વારા જે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી તેનો કડકાઈથી અમલ કરવાનો રહેશે.

શહેરમાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે. માત્ર 24 કલાકમાં જ ડબલ સેન્ચુરી જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. હવે તો કોરોનાને લઈને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેને લઈને જોખમ ઉભું થયું છે. અનલોક-1 પછી હીરાબજારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું. જેને લઈને પાલિકા દ્વારા હીરા બજાર અને કારખાનાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા સરકારમાં રજૂઆત કરાતા 10 જુલાઇથી હીરા બજાર અને 14 જુલાઇથી હીરા કારખાના શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને અનુસંધાને આજે હીરા ઉદ્યોગ માટે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી.

સુરત શહેરમાં હીરા ઉદ્યોગ શરુ થાય તે પહેલા જ ગાઈડ લાઈન જાહેર કરવામા આવી છે તે મુજબ કર્મચારીઓ તથા મુલાકાતીઓના નામ સાથે રજીસ્ટ્રેશન કરવાનું ફરજ્યાત છે અને રસ્તા પર બે વાહનો પર બેસીને કોઈ પણ સંજોગોમાં ધંધો કરી શકાશે નહીં. સુરત મહાનગરપાલિકાએ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે તેમાંથી કોઈ પણ કામદારને કામ પર રાખી શકાશે નહીં.