અરવલ્લી જિલ્લામાં વધુ સાત કેસ સાથે કુલ આંક ૩૧૨ને પાર
25, જુલાઈ 2020

અરવલ્લી,તા.૨૪ 

અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.શુક્રવારના રોજ વધુ ૭ નવા પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૩૦૦ને પાર કરી ૩૧૨ પર પહોંચ્યો છે.શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ અને મેઘરજ તાલુકામાં ૩-૩ અને મોડાસા શહેરમાંથી ૧ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે.જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.મોડાસા શહેર સહિત જિલ્લાભરમાં કોરોના વાયરસ થોભવાનું નામ નથી લઈ રહ્યો. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.આજે મેઘરજ નગરના ગેસ્ટ હાઉસ રોડ પર રહેતા ૫૦ વર્ષીય આધેડ,રામનગર સોસાયટીમાં રહેતો ૩૨ વર્ષીય યુવક અને નવજીવન સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બાયડ તાલુકાના સાઠંબા ગામની ૩૮ વર્ષીય મહિલા,ચોઈલા અને પેંટરપુરા ગામના વૃદ્ધ કોરોનાગ્રસ્ત બન્યા હતા.તમામ કોરોના પોઝિટીવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી સઘન સારવાર હાથ ધરી હતી.મોડાસા શહેર ઉપરાંત જિલ્લાના બાયડ તથા મેઘરજ તાલુકામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન રોકેટ ગતિએ વધી રહ્યું છે.જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. આજે વિવિધ સ્થળોએથી કોરોનાના પોઝીટીવ કેસો નોંધાતા સ્થાનિક પાલિકા તંત્ર, પંચાયત તેમજ આરોગ્ય તંત્રની ટીમો જે-તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી.કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધરી સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution