ભરૂચ,  છેલ્લા બે વર્ષથી વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈ ગુજરાત ઉર્જા વિભાગની સાત કંપનીઓના વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા આંદોલનો કરાતા હતા. છતાં પ્રશ્નો હલ ન થતાં આખરે સાતેય કંપનીઓમાં ચાલતા તમામ કર્મચારીઓએ ભેગા થઈ ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નામે સામુહિક લડતની ઘોષણા કરી માસ સી.એલ. પર ઉતરી પોતાની માંગણીઓ સંતોષવા માટેની માંગ કરી સૂત્રોચ્ચારો કર્યા હતા.  

વિદ્યુત કંપનીના ૫૫૦૦૦ જેટલા વિદ્યુત કામદારો સાતમા પગાર પંચના બેઝીક ઉપર મળવાપાત્ર એલાઉન્સ અને તેના એરિઅર્સ માટે છેલ્લા એક વર્ષથી લડત ચલાવે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ પ્રશ્નોને લઈ ગુજરાતભરના ઉર્જા વિભાગની સાત કંપનીઓના કર્મચારીઓ લડત ચલાવી રહ્યા હતા. અલગ-અલગ યુનિયનો દ્વારા આ લડતો સતત ચાલતી રહી હતી. પરંતુ સરકારે કે ઉર્જા વિભાગે માંગણીઓ ન સ્વીકારતા આખરે વીજ કંપનીમાં ચાલતા છ જેટલા કર્મચારી યુનિયનો ભેગા થયા છે. જેમણે ગુજરાત ઉર્જા વિભાગ સંકલન સમિતિ બનાવી પુનઃ લડતની શરૂઆત કરી છે. જીલ્લાઓમાં આજરોજ ૪૫૦૦૦થી વધુ કર્મચારીઓ માસ સીએલ મુકી આ લડતમાં જાેડાયા હતા. જેમાં ભરૂચના ૩૦૦૦ જેટલા કર્મચારીઓ પણ લડતમાં જાેડાયા હતા. ભરૂચના મકતમપુર ખાતે આવેલ જી.ઈ.બી. કચેરી ખાતે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના હોદ્દેદારો તથા કર્મચારીઓએ એકઠા થઈ ઉગ્ર દેખાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે તેમણે સાતમા પગાર પંચના એરિયર્સ સહિતના તમામ લાભો મેળવવા માટેની માંગ બુલંદ બનાવી હતી.સાતમા પગારપંચના એરિયર્સના નાણાં ગુજરાત સરકાર સાથે અગાઉ કામદાર યુનિયન સાથે મીટીંગ થઇ હતી.

અમને અમારા હકના નાણાં મળવા જાેઈએ

સાતમા પગારપંચના એરિયર્સના નાણાં ૧-૧-ર૦૧૬થી મળવા જાેઇએ તેના સ્થાને ગુજરાત સરકારે ૧૫-૧-૨૦ર૧ના રોજ એક જી.આર. બહાર પાડી ૧-૧-૨૦૨૧થી મંજૂર કરેલા છે તે અન્યાય છે. અમને અમારા હકના નાણાં ૨૦૧૬થી મળવા જાેઈએ. જાે માસ સીએલથી પ્રશ્ન હલ નહીં થાય તો ગુજરાતભરમાં વીજ કંપનીના કર્મચારીઓ ઉગ્ર આંદોલન છેડશે અને તો કોઈપણ પ્રકારની પરિસ્થિતિ ઉભી થશે તો તેના માટે સરકાર જવાબદાર રહેશે.

અલ્પેશ પ્રજાપતિ (જીઇબી એન્જી. એસો. વાઈસ પ્રેસી.)