રાજકોટ-

રાજકોટ જીલ્લાના ગોંડલમાં આવેલી સબ જેલમાં છેલ્લાં ઘણા સમયથી કેદીઓના બેરોકટોક રીતે બહારથી અનેક લોકો મળવા તેમજ રાતના સમયે મળવા આવતા હોવાની બાતમી જેલ વિભાગના અધિક પોલીસ મહાનિરીક્ષકને મળી હતી જેના આધારે જેલ તપાસ સ્કોવ્ડના સ્ટાફના જેલર દેવસીભાઇ રમણભાઇ કરંગીયાએ સ્ટાફ સાથે રવિવારે રાતના નવ વાગ્યાની આસપાસ ગોંડલ જેલમાં અચાનક તપાસ ગોઠવી હતી. 

રજીસ્ટ્રરમાં એન્ટ્રી કરીને જેલમાં તપાસ કરતા પહેલા ત્રણ વ્યક્તિઓ વિડીયો કોન્ફરન્સ રુમમાં આરામ કરતા જોવા મળ્યા હતા. જેમની પાસેથી તપાસ કરતા બે મોબાઇલ ફોન અને બે પાવર બેંક મળી આવી હતી. તો અંદર તપાસ કરતા એક સાથે આઠ વ્યક્તિઓ બહારથી લાવેલું ભોજન જમી રહ્યા હતા. જેથી તપાસ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી કે અહી જમી રહેલી આઠ વ્યક્તિઓ પૈકી માત્ર વ્યક્તિઓ જ કાચા કામના કેદી છે અને બાકીને બહારથી આવેલા છે. તેમણે જેલ સ્ટાફને જોતા નાસભાગ મચાવી દીધી હતી અને મોબાઇલ ફોન જેલની બહાર ફેંકવાની કોશિષ કરી હતી. જો કે તમામ લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આમ, પાંચ કાચા કામના કેદીઓ હતા અને બાકીના છ લોકો મળવા આવ્યા હતા. પુછપરછમાં કેદીઓના નામ રાજેન્દ્ર શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, નિખીલ દોંગા, અમિત જંયતી પડારીયા અને જયેશ ગોહિલ કાચા કામના કેદીઓ હતા . જ્યારે જયેશ દવે, જીતેન્દ્ર વનરાજભાઇ, અજય બોરીચા, નિકુલ દોંગા, જીગ્નેશ ભુવા અને કલ્પેશ ઠુમ્મર બહારથી આવ્યા હતા. આ અંગે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, સાથેસાથે જેલ સ્ટાફ સામે પણ તપાસનો હુકમ કરાયો છે.