નડિયાદ : ભારત સરકાર પોલિયો નાબૂદી હાંસલ કરવા કટીબદ્ધ છે, જેનાં સંદર્ભે સને ૧૯૯૫થી બાળ લકવા નાબૂદ અભિયાન ચલાવવામાં આવેલ છે. ૧૯૯૫થી શરૂ કરવામાં આવેલ પોલિયો રસીકરણ કાર્યક્રમમાં જનતાના સાથ–સહકાર તથા સહયોગથી આપણે પોલિયો મુક્ત ભારત માટે ધારી સફળતા મેળવેલ છે. આપણાં દેશમાં છેલ્લો પોલિયોનો કેસ વર્ષ ૨૦૧૧માં પશ્ચિમ બંગાળ રાજ્યમાં જોવાં મળ્યો હતો. સમગ્ર વિશ્વમાં માત્ર પાકિસ્તાન તથા અફગાનિસ્તાનમાં જ પોલિયોના કેસ હાલમાં જોવાં મળે છે. 

આજે ખેડા જિલ્લામાં પોલિયો રસીકરણનો શુભારંભ જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રના વરદ હસ્તે સંતરામ અર્બન હેલ્થ સેન્ટરથી કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે  જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં પાંચ વર્ષ સુધીના ૩ લાખ ૨૭ હજાર જેટલાં બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે. આજે અને આવતી કાલે મળી જિલ્લામાં લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આવશે, તેમ તેઓએ ઉમેર્યુ હતું. ખેડા જિલ્લામાં ૧૧૮૦ જેટલાં કેન્દ્રો ઉપર ૪૭૦૦થી વધુ આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ આ રસીકરણની કામગીરી કરી રહ્યાં છે. બે દિવસમાં ૧૦૦% ટાર્ગેટ પૂરો કરવાનો લક્ષ્યાંક રહેશે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ પણ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવ્યા હતાં. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી પી.આર.સુથાર અને તાલુકા આરોગ્ય અધિકારી વિપુલભાઇ અમીન ઉપસ્થિત રહ્યાં હતાં.