ખેડા જિલ્‍લામાં ૩૫,૧૩,૮૯૪ લોકોને ઉકાળાનું વિતરણ કરાયું
17, ઓગ્સ્ટ 2020

નડિયાદ, તા.૧૬  

મહામારી કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે. દરેક દેશના નાગરિકો તેની સામે રક્ષણ મેળવવા પ્રયત્‍નશીલ છે. ભારતમાં પણ એલોપથીની સારવારની સાથે સાથે આર્યુવેદિક અને હોમીયોપેથીક દવાઓ દ્વારા નાગરિકો આ વાઇરસની સામે રક્ષણ મેળવી રહ્યાં છે. ખેડા જિલ્‍લામાં આર્યુવેદિક અધિકારીના જણાવ્‍યાં અનુસાર આ મહામારીની સામે રક્ષણ મેળવવા માટે ખેડા જિલ્‍લામાં તા.૬ માર્ચ, ૨૦૨૦ થી આર્યુવેદિક તથા હોમીયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તા.૬ માર્ચથી અત્‍યાર સુધીમાં જિલ્‍લામાં ૧૩,૯૧૬ ઉકાળા વિતરણ સ્‍થળ પરથી ૩૫,૧૩,૮૯૪ જેટલા આર્યુવેદિક ઉકાળા(ઉકાળાના લાભાર્થીઓ)નું વિતરણ કરાયું છે. ૯૧૫ સેન્‍ટર પરથી ૧૯,૧૪૪ જેટલી સંશમનીવટી દવાનું વિતરણ તેમજ ૫૫૧૨ સેન્‍ટર પરથી ૩૨,૨૯,૮૯૦ જેટલી આર્સેનીક અલ્‍બની (હોમીયોપેથીક દવા)નું વિતરણ કરવામાં આવ્‍યું છે. ડો.શેલિયાના જણાવ્‍યાંનુસાર ખેડા જિલ્‍લાની આજુબાજુના જિલ્‍લાઓમાં કોરોના વાઇરસના ફેલાવાની સરખામણીએ અત્રેના જિલ્‍લામાં કોરોના વાઇરસને કાબૂમાં રાખી શકાયો છે. તેનાં કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે, જિલ્‍લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શરૂઆતથી જ આ દવાઓનું નિયમિત ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્‍લાના નાગરિકો પણ આ દવાઓ લઇ કોરોના વાઇરસની સામેની લડાઇમાં સહકાર આપી રહ્યાં છે.  

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution