વડોદરા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણની માગ સાથે સફાઈ કામદાર સંઘર્ષ સમિતિએ કોર્પોરેશનમાં આવેદનપત્ર સુપરત કર્યું હતું અને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે. સફાઈ કામદાર સંઘર્ષ સમતિ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, ૧૨૫૪ માનવદિન સફાઈ કર્મચારીઓ પૈકી જે બાકી રહી ગયેલા છે તેઓને રોજમદાર તેમજ શહેરનો વિસ્તાર અને વસતી વધતાં ૮૦૦ જેટલા સફાઈસેવકોની અને ૩૦૦ પટાવાળાઓની ભરતી કરવા માગ કરી છે. સફાઈસેવકોની નિયમ મુજબ સફાઈ કામગીરીની બીટ ફાળવવા અને કોર્પોરેશનમાં ગેરરીતિઓ દૂર કરવા માગણી કરતાં જણાવ્યું છે કે સેનેટરી શાખામાં અપાતાં સાધનોમાં ગેરરીતિ જાેવા મળે છે. ઝાડું ખરાબ કક્ષાના પસંદ કરવામાં આવે છે, જેના કારણે ૯૦ ટકા લોકો પોતાના પૈસાથી ઝાડું વાપરે છે. સુપડી, પતરાં, લારીઓ, પાવડા, પંજેટી ફિનાઈલની ગોળીઓ જેવી વસ્તુઓ આપવામાં આવતી નથી. કોરોનામાં સફાઈસેવકોની ભરતીમાં ગેરરીતિ થઈ છે તેવો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જે લોકો કામ કરી ગયા છે અને જેના દિવસો વધારે છે તેવા લોકો નોકરીથી વંચિત રહી ગયા છે. જેમાં વોર્ડ નંબર-૯માં સૌથી વધારે ૯૦ લોકોની ભરતી કરવામાં આવી છે. ડોર ટુ ડોર કચરાની ગાડીઓ કચરો બરાબર લેવા જતી નથી. મોટી હોટલો અને કોમ્પ્લેક્સનો કચરો પ્રાઈવેટમાં લઈ લે છે. સફાઈસેવકોના મરણના કેસમાં વારસદારને પાંચને બદલે ત્રણ વર્ષ કાયમી હક આપવા સહિતની માગણી કરી હતી.