પટના-

બિહારની રાજધાની પટનાના એક ગામમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં મૃત વ્યક્તિ તેના પૈસા લેવા બેંકમાં આવ્યો હતો. મૃતદેહને બેંકમાં જોતાં કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. 

આ અજીબોગરીબ કિસ્સો પટણા શહેરને અડીને આવેલા શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિગરીવાન ગામનો છે. જ્યાં કેનેરા બેંકની શાખા છે. એવું બન્યું હતું કે સિગરીવાન ગામમાં રહેતા 55 વર્ષિય મહેશ યાદવનું મંગળવારે સવારે બીમારીને કારણે મોત નીપજ્યું હતું. તેના મૃત્યુ પછી, ગ્રામજનોએ બેંકમાં જઇને બેંકના કર્મચારીઓ પાસેથી તેના ખાતાના પૈસા માંગ્યા, પરંતુ બેંક મેનેજરે પૈસા આપવાનો ઇનકાર કર્યો.

આથી ગુસ્સે ભરાયેલા ગામ લોકો મહેશ યાદવની લાશ સાથે બેંક પહોંચ્યા હતા અને લાશને બેંકની અંદર લઇને રાખી હતી. આ દ્રશ્ય જોઈને બેંકના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. મહેશની લાશ લગભગ ત્રણ કલાક સુધી બેંકમાં રહી. પરંતુ ગામલોકો સ્વીકારવા તૈયાર ન હતા. જેથી બેંક મેનેજરે ખિસ્સામાંથી દસ હજાર રૂપિયા આપીને મામલો થાળે પાડ્યો હતો.

પૈસા મળતાં ગ્રામજનોએ મૃતક મહેશ યાદવની અંતિમ વિધિ માટે મૃતદેહને લઇ ગયા હતા. ખરેખર, મહેશ પરિણીત નહોતો અને તેની પાછળ કોઈ નહોતું. તેના બેંક ખાતામાં એક લાખ અઢાર હજાર રૂપિયા હતા. પરંતુ બેંક ખાતામાં તેમનું નામ ન હતું. તેની કેવાયસી પણ રજુ કરાઈ ન હતી. આ કારણોસર બેંકે તેના પૈસા આપવાની ના પાડી હતી.