દિલ્હી-

ઉત્તર પ્રદેશના બિજનોરમાં નવા 3 કૃષિ કાયદાનો અનોખો વિરોધ જાેવા મળ્યો છે. ચાંદપુર ક્ષેત્રના એક ખેડૂતે કાયદાના વિરોધમાં પોતાના ૫ વીઘા ઘઉંના પાક પર ટ્રેક્ટર ફેરવીને તેને નષ્ટ કરી દીધો હતો. આ ઘટનાનો વીડિયો પોતાના ફેસબુક પર વાયરલ કરીને ભાકિયૂના જિલ્લાધ્યક્ષ દિગંબર સિંહે બિજનોરમાં પાક નષ્ટ કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે તેવો દાવો કર્યો હતો.

છેલ્લા 3 મહિનાથી કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું અભિયાન ચાલી રહ્યું છે. કાયદાના વિરોધમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠેર-ઠેર ખેડૂત પંચાયતો યોજાઈ રહી છે. ચાંદપુર તાલુકાના કુલચાના ગામના સોહિત કુમાર નામના ખેડૂતે શનિવારે સવારે ટ્રેક્ટર અને હૈરો લઈને જંગલમાં પોતાની ૫ વીઘા જમીન પર લહેરાઈ રહેલો ઘઉં અને જુવારનો પાક સફાચટ કરી નાખ્યો હતો.

આ અંગે જાણ થતા જ નાયબ તહેસીલદાર બ્રજેશ કુમારે કુલચાના જઈને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સોહિત સાથે વાત કરી હતી. સોહિતે પાકનો યોગ્ય ભાવ ન મળવાના કારણે, કૃષિ કાયદાના વિરોધમાં આ પગલું ભર્યું હોવાનો ખુલાસો કર્યો હતો. સોહિતના કહેવા પ્રમાણે સાચી એમએસપી મળવી જાેઈએ. મંડીમાં ભાવ અલગ છે અને આડતીયાઓ બીજાે ભાવ બતાવી રહ્યા છે. બ્રજેશ કુમારે ખેડૂતોને આ પ્રકારનું કોઈ પગલું ન ભરવા સમજાવ્યા હતા અને તેમાં પોતાનું નુકસાન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ પોતે ખેડૂતોની વાત શાસન સુધી પહોંચાડશે તેવી ખાતરી આપી હતી.

ભાકિયૂના જિલ્લાધ્યક્ષ દિગંબર સિંહે પોતાના ફેસબુક પેજ પર આ વીડિયો વાયરલ કર્યો હતો. સાથે જ ટેગ લાઈનમાં લખ્યું હતું કે, મોદીજી જાેઈ લો ખેડૂતોનું દિલ. બિજનોરમાં શરૂ થયું પાક નષ્ટ કરવાનું અભિયાન. સોહિતે પોતે કૃષિ બિલના વિરોધમાં ઘઉં અને જુવારનો પાક નષ્ટ કર્યો હોવાનું બ્રજેશ કુમારને જણાવ્યું હતું. સોહિતના કહેવા પ્રમાણે પાકની પડતર ઉંચી આવી રહી છે. સરકારે શેરડીના ભાવ નથી વધાર્યા. શેરડીનું વળતર પણ નથી મળી રહ્યું માટે આ પગલું ભર્યું છે.