સિધ્ધપુર : સિધ્ધપુરમાં દશેરાના દિવસે પતંગ ઉડાવવાની પરંપરા મુજબ રવિવારે શહેરનું આકાશ અવનવા રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. અનુકૂળ પવનને લઈ પતંગ રસિયાઓ જોશમાં આવી ગયા હતા. પરિવાર સાથે ફાફડા , જલેબી , ચોળાફળી , સિંગની ચીક્કી અને તલની ચીક્કીનો સ્વાદ માણ્યો હતો. સિધ્ધપુરમાં બહાર ગામથી દોરી અને પતંગ વેચવા આવેલા વેપારીઓએ શહેરના જુના ગંજબજારમાં આખી રાત વેપાર કર્યો હતો. પરંતુ ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારીના કારણે પતંગ અને દોરીના વ્યાપારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના યુવાનો અને બાળકોએ પતંગ દોરીની ખરીદી કરવા માટે મોડી રાત સુધી અવર જવર જોવા મળી હતી.  

આ વર્ષે ભારત અને ચીન વચ્ચેના તણાવમાં ચાઈનીઝ તુંક્કલ અને ચાઈનીઝ દોરીની ખરીદી કરવામાં આવી નથી. સિધ્ધપુર વાસીઓ વર્ષમાં બે વખત પતંગ ચગાવવાની મજા માણે છે. શહેરની બહાર વસતા અમદાવાદ , સુરત , બરોડા , ગાંધીનગર જેવા શહેરોમાં વસવાટ કરતા સિધ્ધપુરના લોકો દશેરાના દિવસે પતંગ ચગાવવાનો આનંદ માણવા પોતાના વતન સિધ્ધપુર આવતા હોય છે. સિધ્ધપુરવાસીઓ વર્ષમાં બે વખત પતંગ ચગાવવાની મજા માણે છે. શહેરની બહાર વસતા અમદાવાદ , સુરત , બરોડા , ગાંધીનગર જેવા શહેરોમાં વસવાટ કરતા સિધ્ધપુરના લોકો દશેરાના દિવસે પતંગ ચગાવવાનો આનંદ માણવા પોતાના વતન સિધ્ધપુર આવતા હોય છે. શિવાંસ ઠાકરે જણાવ્યું હતું કે અમો ઉત્તરાયણે અમે અમદાવાદમાં રહીને પતંગ ચગાવીને આનંદ માણીએ છીએ.બીજી વખત અમારા વતન ( સિધ્ધપુર ) માં દશેરાના દિવસે આવી પતંગ ચગાવીને આનંદ માણીએ છીએ. તેમને જણાવ્યું હતું કે , વૈશ્વિક કોરોના મહામારીના કારણે પતંગ દોરીની ખરીદીમાં આશરે ૪૦% સુધીનો ઘટાડો જોવા મળ્યો. સિધ્ધપુરમાં વર્ષો પહેલા રાજા સિદ્ધરાજ જયસિંહે બ્રહ્મ સમાજના લોકોને અહીં બોલાવ્યા હતા અને તે સમયે ભૂદેવોના આ શહેરમાં ઉત્તરાયણના દિવસે દાન,પુણ્ય અને ગૌમાતાનું પૂજન કરવામાં સમય જતો હોવાથી પતંગ ચગાવવાનો સમય ન મળતો હતો. રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન પણ ઉત્તરાયણના દિવસે થયું હોવાની લોક વાયકાને લીધે શહેરમાં દશેરાના દિવસે પતંગ ચગાવવાની શરૂઆત થઈ.