અંતે મિનિ લૉકડાઉનમાં આંશિક છૂટછાટથી વેપારીઓમાં કહીં ખુશી, કહીં ગમ જેવી સ્થિતિ
21, મે 2021

વડોદરા

કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે હાલમાં ચાલી રહેલા મિનિ લૉકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય કરી વેપારીઓ સવારે ૯ થી બપોરના ૩ સુધી પોતાની દુકાનો ખૂલ્લી રાખી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરાના વેપારીઓએ આ કહીં ખુશી, કહીં ગમ જેવી છૂટ આપવામાં આવી હોવાનું જણાવી રિટેલ વ્યવસાયમાં સાંજના સમયે ઘરાકી હોઈ થોડી નારાજગી હોવાનું કહ્યું હતું. વેપારીઓએ જીએસટી, ટેક્સ સહિતમાં રાહત આપવાની પણ માગ કરી હતી.

રાજ્ય સરકારે કોરોના સંક્રમણને કારણે અમલમાં મુકેલ મિનિ લૉકડાઉનનો અમલ ત્રણ વખત લંબાવાતાં વેપારીઓએ તેનો વિરોધ કરી મિનિ લૉકડાઉન છતાં કોરોના કેસોની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે ત્યારે સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરો કે અમને પણ વેપાર કરવાની છૂટ આપો તેવી માગ કરી હતી. જાે કે, રાજ્ય સરકારે હાલમાં ચાલી રહેલા મિનિ લૉકડાઉનમાં આંશિક છૂટછાટ આપવાનો નિર્ણય લઈને તા.૨૧થી ૨૭મી મે સુધી જાહેર કરેલા આંશિક લૉકડાઉનમાં વેપારીઓ સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી પોતાની દુકાનો ખૂલ્લી રાખી શકશે. જાે કે, રાત્રિ કરફયૂ યથાવત્‌ રહેશે. વડોદરાના વેપારીઓએ સરકારનો આ નિર્ણય કહીં ખુશી, કહીં ગમ જેવી છૂટ મળી હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસો.ના પરેશ પરીખ અને રમેશ પટેલે જણાવ્યું હતું કે, જેમને રિટેલ બિઝનેસ છે એમને સાંજના સમયે ઘરાકી હોઈ માટે થોડી નારાજગી વેપારીઓમાં જાેવા મળી રહી છે. બાકીનાને ૩ વાગ્યા સુધી બિઝનેસનું કામ પૂર્ણ થાય છે પણ વેપારીઓ ર૭-પ પછી ૮ વાગ્યા સુધી વેપાર કરવાની રાહત મળે તેવી અને રાત્રિ કરફયૂ પણ ૧૧ થી ૬ સુધી થાય એવી માગણી કરાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ર૭-પ અગાઉ માગણી પૂર્ણ લૉકડાઉન સાત દિવસનું હતું એને બદલે સરકાર દ્વારા વિચાર્યા વગર આંશિક લૉકડાઉન નાખી વેપારીઓની નારાજગી વહોરી લીધી હતી.

ત્યાર બાદ વેપારી એસો.એ સતત સરકારને લેખિત આવેદનપત્રો આપીને અને નિવેદનો કર્યા હતા અને ભૂલ સુધારવા સમય આપ્યો હતો, પણ છેક ર૩ દિવસો બાદ આજરોજ નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. એટલી છૂટવાટને પણ પોઝિટિવ રીતે વધાવી લેવી જાેઈએ. આવતીકાલથી ફરી એકવાર દુકાનના તાળાં ખોલીશું, જ્યારે આવતીકાલથી જે અન્ય માગણીઓ જેવી કે જીએસટી, ઈન્કમટેક્સ, વ્યાજના દરમાં રાહત વગેરેને ફરી એકવાર સરકાર સામે મુકીશું તેમ પણ જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution