દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સંક્રમણ પર લોકડાઉનની પણ કોઈ અસર થઈ રહી હોય તેવુ લાગતુ નથી. કોરોનાના સંક્રમણના જે આંકડા બહાર આવી રહયા છે તે ચોંકાવનારા છે.દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.24 કલાકમાં કોરોનાના 28000 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 277 લોકોના મોત થઈ ચુક્યા છે.દિલ્હીમાં દર્દીઓની અત્યાર સુધીની સંખ્યા 9 લાખને પાર કરી ગઈ છે.એક લાખ કોરોનાના દર્દીઓ હજી સારવાર લઈ રહ્યા છે.

દિલ્હીમાં તો સ્થિતિ બગડી રહી હોવાથી 6 દિવસનુ લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ.આ લોકડાઉન સોમવાર રાતે 10 વાગ્યાથી લગાવાયુ હતુ.લોકડાઉનના બીજા દિવસે પણ જોકે કોરોના પર તેની અસર થઈ નથી.દિલ્હીમાં બીજી તરફ મેડિકલ ઓક્સિજનનુ પણ સંકટ છે.દિલ્હીની હોસ્પિટલોમાં મંગળવારે સાંજે ગણતરીના કલાકો માટે જ ઓક્સિજન ઉપલબ્ધ હતો.જોકે હાલ પુરતુ તો ઓક્સિજન સપ્લાય મળ્યો હોવાથી સંકટ ટળ્યુ છે પણ કોરોનાનુ સંક્રમણ લોકડાઉનથી પણ કાબૂમાં ના આવ્યુ તો આગળ શું થશે તે વિચાર ધ્રુજાવી દે તેવો છે.