આણંદ, તા.૧૭ 

આણંદ જિલ્લામાં મેઘાએ મન મૂકીને વરસવાનું ચાલું જ રાખ્યું છે. સવારે છ વાગ્યે પૂરાં થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં ઉમરેઠ તાલુકાને બાદ કરતાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. તારાપુરમાં સૌથી વધુ ૫ ઈંચ અને ખંભાતમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌથી ઓછો ઉમરેઠમાં માત્ર ત્રણ મિમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, ગઈકાલે સવારથી જ ઉઘાડ નીકળ્યાં બાદ બપોર પછી ધીમી ધારે વરસાદ ફરી શરૂ થયો હતો. મોડીરાતે ધોધમાર સ્વરૂપ ધારણ કર્યું હતું. માંડ વરસાદી પાણીનો હજુ નિકાલ થયો હતો ત્યાં ફરી શરૂ થયેલાં વરસાદે ચારેબાજુ ફરી પાણી પાણી કરી દીધું હતું. આણંદ ડિઝાસ્ટર કચેરીના રિપોર્ટ મુજબ, તારાપુર તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ અને ખંભાતમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. બીજા તાલુકાઓમાં પેટલાદમાં ૬૩ મિમી, સોજિત્રા ૫૦ મિમી, બોરસદ ૭૦ મિમી, આણંદ ૪૦ મિમી, આંકલાવ ૨૭ મિમી અને ઉમરેઠમાં માત્ર ૩ મિમી વરસાદ નોંધાયોે હતો.લઘભગ છેલ્લાં એક અઠવાડિયાથી આણંદ જિલ્લા પર મેઘો ઓવારી ગયો છે. સીઝનનો સૌથી વધુ વરસાદ છેલ્લાં પોંચ દિવસમાં નોંધાઈ ગયો છે. આણંદ શહેરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં હતાં. જિલ્લાના અનેક તાલુકાઓમાં ગામડાંઓ બેટમાં ફેરવાયાં હતાં. કેટલાંક ઠેકાણે ખેતરોમાં પાણી ફરી વળતાં પાકને પણ ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હજી પણ ભારેથી અતિભારે વરસાદનો વર્તારો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓને અલર્ટ રહેવા સૂચના જારી કરવામાં આવી છે. 

હજુ ભાદરવો ભરપૂર રહેશે!

શ્રાવણ પૂરો થવામાં છે હજુ ભાદરવો મહિનો આખો બાકી છે. જિલ્લાના અન્ય તાલુકામાં પણ સો ટકા વરસાદ થઈ જશે, તેવો વર્તારો કરવવામાં આવી રહ્યો છે. હાલમાં તારાપુર, ખંભાત અને આણંદ તાલુકામાં સો ટકા ઉપરાંતનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

જિલ્લામાં સરેરાશ વરસાદ

• તારાપુર ૧૧૪.૯૫ ટકા

• ખંભાત ૧૦૦.૮૦ ટકા

• બોરસદ ૭૫.૦૯ ટકા

• પેટલાદ ૮૪.૬૯ ટકા

• સોજિત્રા ૮૧.૨૪ ટકા

• આણંદ ૧૧૦.૬૩ ટકા

• આંકલાવ ૫૬.૭૬ ટકા

• ઉમરેઠ ૪૯.૫૬ ટકા