સુરત-

સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણીમાં ગરબડ ગોટાળા ચાલી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. લોકોના આક્રોશ વચ્ચે શનિવારે રેમડેસિવિર મળ્યું નહી, તે વરાછા, યોગીચોક વિસ્તારની ચિરાયું હોસ્પિટલનું નામ ઇન્જેક્શન મળ્યાના લિસ્ટમાં દેખાતા હોસ્પિટલના કર્મચારીએ સિવિલમાં ચાલી રહેલી ઇન્જેક્શન વહેંચણીની કાર્યપ્રણાલી સામે શંકા વ્યક્ત કરી હતી.

શનિવારે હોસ્પિટલમાં દાખલ હોય તેવા કોરોનાના દર્દીઓ માટે સિવિલમાંથી ૨૭૦૦ ઇન્જેક્શન આપવાની જાહેરાત કરાઈ હતી. જાેકે, શનિવારે બપોર પહેલા જ ઇન્જેક્શન વહેંચાઈ ગયા હતા. જેને પગલે ઇન્જેક્શન મેળવવાથી વંચિત લોકોમાં ફરીવાર રોષ ફાટી નીકળ્યો હતો. આક્રોશિત લોકોએ સિવિલમાં ચાલતી રેમડેસિવિર ઇન્જેક્શન ફાળવણીની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી. દરમિયાન લોકોની શંકાને વેગ આવતી એક ઘટના સામે આવી હતી.

છેલ્લા બે દિવસથી સિવિલમાં ઇન્જેક્શન લેવા આવતા વરાછા, યોગીચોક વિસ્તારની ચિરાયુ હોસ્પિટલના કર્મચારી મયૂર પોલારાએ કરેલા આક્ષેપો બાદ હાજર લોકો ચોંકી ઊઠયા હતા. મયૂર પોલારાના કહેવા મુજબ ચિરાયુ હોસ્પિટલમાં દાખલ ૨૩ દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે. જે મેળવવા માટે છેલ્લા બે દિવસથી સિવિલમાં આવી રહ્યો છું. શનિવારે ફરીવાર ઇન્જેક્શનનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનો જવાબ મળ્યો હતો, ત્યારે સિવિલની દીવાલ પર ઇન્જેક્શન મેળવનારી ૬૦-૬૫ હોસ્પિટલોનું લિસ્ટ જાેતા તેમાં ચિરાયુ હોસ્પિટલનું પણ નામ દેખાયું હતું. જાેકે, ચિરાયુ હોસ્પિટલના પ્રતિનિધિ તરીકે બે દિવસ દરમિયાન મને કોઈ ઇન્જેક્શન મળ્યું નથી. જેથી સાત નંબરની બારી પર ફરિયાદ કરવા જતા ત્યાં હાજર સ્ટાફે કલેક્ટરાલયમાં ફરિયાદ કરવા કહ્યું હતું. ચિરાયુ હોસ્પિટલના બદલે કોને ઇન્જેક્શન આપી દેવાયા છે, તે જાણવા ડોક્યુમેન્ટ ચકાસવા જરૂરી છે. જે માટે સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ માંગ કરવામાં આવશે. બીજી બાજુ ગત તા. ૧૫મીએ સિવિલમાંથી ચિરાયુ હોસ્પિટલના કેયુર નામના કર્મચારીને ઇંજેક્શન ફાળવાયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મયુર પોલરાએ કહ્યું હતું કે, કેયુર તા. ૧૫મીએ ઇંજેક્શન લાવ્યો હતો, પરંતુ શનિવારે હોસ્પિટલમાં લાગેલું ઇંજેક્શન લઈ જનારી હોસ્પિટલોનું લીસ્ટ તા. ૧૬મીનું હોવાનું સાત નંબરની બારી પરથી કહેવાયું હતું. જેન લીધે શંકા લાગી રહી છે.

રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળતા જનાક્રોશ સાતમા આસમાને પહોંચી ગયો હતો. આક્રોશિત લોકોએ કહ્યું હતું કે, સામાન્ય ઘરના લોકો જ સિવિલમાં ઇન્જેક્શન મેળવવા માટે રઝળપાટ કરી રહ્યાં છે. જે પૈસા ખર્ચી શકે તેવા લોકોને બજારમાં વધારે પૈસા આપીને પણ ઇન્જેક્શન મળી જાય છે, ત્યારે બજારમાં ઇન્જેક્શન કેવી રીતે ઉપલબ્ધ થઈ જાય છે, એ પ્રશ્ન ઉદ્ભવે છે. બજારમાં કાળાબજારિયાઓ પાસે ઇન્જેક્શન આવી જાય છે. પરંતુ સરકારની સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન આવતા નથી, તે સરકારની લાચારી સમજવી કે પ્રજાની? રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યું નહી, તે હોસ્પિટલના નામે બીજા કોઈને ઇન્જેક્શન ફાળવી દેવાયા બાબતે હાલ કંઇ પણ કહેવું વહેલું થશે. આ મામલે તપાસ કર્યા પછી જ સાચી હકીકત જાણી શકાય તેમ છે. જેથી આ મામલે તપાસ કરી સત્ય હકીકત જાણવા પ્રયાસ કરાશે.