વોશિંગ્ટન-

અમેરીકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા દ્વારા મંગળની સપાટી પર સફળતાપૂર્વક પર્સિવિયરન્સ રોવરને ઉતારવાનું કામ પાર પડાયું તેની પાછળ એક ભારતીય મૂળની મહિલા અવકાશ વિજ્ઞાનીનો મોટો ફાળો છે. 

ભારતીય મૂળની આ અમેરીકન વિજ્ઞાની સ્વાતિ મોહને કહ્યું હતું કે, સાત માસમાં આ રોવર રોબોટીક યાનને 47 કરોડ કિલોમિટર દૂર મોકલવા પાછળનો પ્રચંડ પુરુષાર્થ હતો પણ આખરી કેટલીક ઘડીઓ મહત્વની હતી જ્યારે યાનની ઝડપને ઝીરો કરી નાંખવાની હતી. જો કે, વિજ્ઞાનીઓએ એ સફળતાપૂર્વક કરી લીધું હતું. 6 પૈડા વાળા રોબોટીક યાનને મંગળની સપાટી પર ઉતારવા માટે 203 દિવસ સુધી સતત નજર રાખવામાં આવી હતી. સ્વાતિ મોહન કેટલા ભારતીય છે એ વાતનો તમને અંદાજ એ જોઈને જ આવી જાય કે, જ્યારે તેઓ મિશન મંગળની સફળતા બાબતે ટીવી પર વાત કરતી હતી ત્યારે તેના માથા પર ભારતીય ચાંદલો ચમકી રહ્યો હતો. 


વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, જ્યારે યાન કોઈ ગ્રહ પર લેન્ડ થાય છે ત્યારે તેની ઝડપને નિયંત્રિત રાખવી એ જ મોટી ચેલેંજ હોય છે, જેને સ્વાતિએ ખૂબ સફળતાપૂર્વક પાર પાડી હતી. આ વિચાર કરો તો ખબર પડશે કે, 12,000 માઈલથી શૂન્ય માઈલની ઝડપ મેળવવા માટે તમારી પાસે માત્ર 7 મિનિટ હોય છે. ખરેખર તો આ ચમત્કાર ગણાય. પરંતુ સ્વાતિ અને તેમની ટીમે આ કામ એટલું સારી રીતે પાર પાડ્યું કે, દુનિયા આજે તેના પર ગર્વ લે છે. 

સ્વાતિ એન્જીનિયર છે અને મંગળની સપાટી પર જેવું રોવર ઉતર્યું અને તેણે તેની પાંખો ખોલી કે તરત જ નાસાના સમગ્ર કેમ્પસમાં ચિચિયારીઓ થઈ ગઈ હતી. યાને સફળતાપૂર્વક ઉતરાણ કરી લીધું ત્યારે ટચડાઉન કન્ફર્મ્ડ એવા બે શબ્દો ફ્લેશ થયા હતા અને આખી દુનિયાને માનો કે આ બે જ શબ્દો સાંભળવામાં રસ હતો. 

કોણ છે સ્વાતિઃ


સ્વાતિ જ્યારે એક વર્ષની હતી ત્યારથી પોતાના માતા-પિતા સાથે અમેરીકા ચાલી ગઈ હતી. તેના જીવનનો મોટોભાગ આમ તો ઉત્તરી વર્જીનિયામાં જ વીત્યો છે. તે નાની હતી ત્યારે અવકાશ અને અવકાશયાત્રીઓ પરની સિરિઝ સ્ટાર ટ્રેક તેણે જોઈ હતી. ત્યારથી તેને અવકાશની દુનિયામાં કંઈક કરવાની તમન્ના હતી. જો કે, ક્યારેક તે બાળકોની ડોક્ટર બનવા માંગતી હતી. આખરે તેણે ઈજનેરી અને અવકાશ સંશોધનક્ષેત્રને પોતાનું ધ્યેય બનાવી દીધું હતું. 

લાંબા સમયથી નાસા સાથે ઃ

સ્વાતિ લાંબો સમયથી નાસા સાથે કામ કરે છે અને ખાસ કરીને પર્સિવિયરન્સ રોવર નામના મંગળના મિશન સાથે તે જોડાયેલી હતી. પાસાડેના ખાતે નાસાનું જેટ પ્રોપલ્ઝન યુનિટ આવેલું છે, ત્યાં તેણે ઘણો સમય વીતાવ્યો હતો. આ દરમિયાન તેણે અવકાશ અને એડવાન્સ્ડ ટેક્નોલોજી સાથે જોડાયેલા અનેક વિષયો પર સંશોધન કર્યું હતું. હવે શનિ એટલે કે સેટર્ન સાથે જોડાયેલા સંશોધન માટે પણ તેને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.