અમદાવાદ-

નવરાત્રી બાદ લોકો આતુરતાથી દશેરાની રાહ જોતાં હોય છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા માટે લોકો રીતસરના લાઇનમાં ઉભેલા જોવા મળે છે. તેવા સમયે ફાફડા જલેબીમાં ભેળસેળના કિસ્સાઓ પણ વધી જતાં હોય છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ફરસાણના વેપારીઓના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેમજ દશેરાને લઈને ફાફડા-જલેબીનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમા ટીમ બનાવીને ફરસાણના વેપારીઓના ત્યા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે આ વર્ષે ગયા વર્ષ કરતા ફાફડા-જલેબી મોંઘા થયા છે. જેમાં તેલ અને બેસન જેવા કાચા માલના ભાવમાં વધારો થતાં ફાફડા-જલેબી મોંઘા થયા છે.

ગુજરાતમાં દશેરા પર્વે ફાફડા જલેબી ખાવાનો અનેરો મહિમા છે. જો કે છેલ્લા બે વર્ષની કોરોનાના પગલે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ન હતી. તેવા સમયે આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે દશેરાની પણ લોકો મન મૂકીને ઉજવણી કરશે તે ચોક્કસ છે. તેવા સમયે ગુજરાતમાં દશેરાના દિવસે ધૂમ વેચાતા ફાફડા અને જલેબીના ભાવમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા છ મહિનામાં ખાધતેલના ભાવમાં થઈ રહેલો સતત વધારો અને કાચા માલની કિંમતમાં પણ વધારાને પગલે ફાફડા જલેબીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.