મહેમદાવાદ-

ક્રિકેટની સૌથી મોટી લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ હાલ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. લીગ શરૂ થઈ ત્યારથી લઈને આજ દિન સુધી તેના પર વિવિધ સટ્ટો રમતાં અનેક લોકોને પોલીસે દબોચી લીધા છે. થોડા દિવસો પહેલા મહેમદાબાદમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ઝડપાયેલા આરોપી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતો વચેટિયો એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. જ્યારે તેની સાથે મળેલા બે કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા હતા. એસીબીની આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.

અમદાવાદ ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યૂરોની ટ્રેપમાં મહેમદાવાદ પોલીસ મથકના બે જવાનો વતી લાંચ લેતો વચેટિયો ઝડપાઈ ગયો છે. મહેમદાબાદ પોલીસ મથકમાં સટ્ટાના કેસમાં આરોપીઓ ઝડપાયા હતા. આ આરોપીઓએનો અગાઉ 1.50 લાખ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટનો અભિપ્રાય આપવા માટે વધારાના 10 હજાર રૂપિયાની માંગણી આરોપીઓ પાસેથી કરવામાં આવી હતી. આ દરમિયાન આ રૂપિયા આપતા સમયે ફરિયાદીઓએ ACBનો સહારો લીધો હતો. દરમિયાન આ ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય ACB દ્વારા મહેમદાવાદ પોલીસના બે કોન્સ્ટેબલ વતી લાંચ લેતા વચેટિયા કીર્તન સુથારને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે અમદાવાદ એસીબીની ટ્રેપ બાદ મહેમદાવાદ પોલીસ મથકનાં બે પોલસી કર્મી ફરાર હોવાની વિગતો છે. જેમાં પોલીસ કર્મી આલાભાઈ રબારી અને પોલીસકર્મી નારણભાઈ ભરવાડ ફરાર થઈ ગયા છે.