બેંગલુરુ-

વિદેશોમાં ઉપગ્રહને લોંચ કરવાની સેવાથી માંડીને ઉપગ્રહ કે રોકેટ બનાવતી કંપનીઓનું જે રીતે ધડાધડ ખાનગીકરણ થઈ રહ્યું છે, તેનાથી પ્રેરણા લઈને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ પણ પ્રેરણા લીધી લાગે છે. હવે ઈસરોએ પણ નિર્ણય કર્યો છે કે, તે ખાનગી કંપનીઓને પોતાને ત્યાં મળી શકતી ઉપગ્રહીય સેવાઓ ઉપલબ્ધ કરાવશે. 

આ માટે હાલમાં બે ખાનગી કંપનીઓએ તૈયારી બતાવી છે. આ પૈકીની એક શૈક્ષણિક હેતુ ધરાવતી સંસ્થા છે અને આ કંપનીઓ ઈસરોના કેન્દ્ર ખાતે પોતાના એન્જીનની ક્ષમતા વિશે અભ્યાસ કરશે. ઈસરો આ કંપનીઓને પોતાના ઉપગ્રહોની સેવા આપશે, જે મેપિંગ સેવા પૂરી પાડે છે. 


ઈસરોના ચેરમેને કહ્યું હતું કે, ઈસરો વધુને વધુ ખાનગીક્ષેત્રોને પોતાની સેવા આપવા તૈયાર છે, ખાસ કરીને નવી ઊભી થતી કંપનીઓને. તેમણે ઉમેર્યું હતું કે, ઈસરો આ ક્ષેત્રમાં નવા સંશોધનોને આવકારે છે, જેથી ભારત અવકાશ સંશોધનક્ષેત્રે નવું હબ બની શકે. બે નવી કંપનીઓને તેમના ઉપગ્રહો માટે સોલાર પેનલો કેવી રીતે ગોઠવવી તેમાં સમસ્યા નડતી હતી અને ઈસરોની મદદથી તેમની સમસ્યા ઉકેલી શકાઈ છે. 

જેપિયર ઈન્સ્ટિટ્યુટ, જે એચ રૈઈસોની અને શક્તિ ઈન્સ્ટિટ્યુટ એમ ત્રણ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલો ઉપગ્રહ યુનિટિસેટ છે. ચેન્નાઈની અગ્નિકૂલ કોસમોસને તેનું રોકેટ એન્જીન ટેસ્ટ કરવા માટે ઈસરો પોતાના કેમ્પસમાં સુવિધા આપશે. એ જ રીતે જીપીએસ સેવા આપતી અને ડિજીટલ મેપિંગ સેવા આપતી સંસ્થા મેપ માય ઈન્ડિયાએ પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઉપગ્રહિય તસવીરો માટે ઈસરોનો સંપર્ક સાધ્યો હતો. આ સંસ્થાને પણ ઈસરો પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવશે. 

ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન યાને આઈએનએસપીઆર દ્વારા એમેઝોન વેબ સર્વિસ ઉપરાંત ભારતી જૂથ અને અમેરીકન વનવેબ દ્વારા કરાયેલી અરજીઓ પર પણ સંસ્થા વિચારણા કરી રહી છે.