કર્ણાટક-

રાજ્ય સરકારે ૨૦૦૮માં કરાવેલા સરવે અને કર્ણાટક મહિલા વિકાસ નિગમના આંકડા મુજબ દેવદાસીઓની સંખ્યા અંદાજે ૪૦,૬૦૦ છે પણ ૨૦૧૮માં એક વિદેશી સ્વૈચ્છિક સંસ્થા અને કર્ણાટક મહિલા યુનિ. દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં કર્ણાટકમાં ૯૦ હજાર દેવદાસીઓ હોવાનું માલૂમ પડ્યું હતું, જેમાંથી ઉત્તર કર્ણાટકની ૨૦%થી વધુ દેવદાસીઓ ૧૮ વર્ષથી નાની છે. આપણે ૨૧મી સદીમાં જીવી રહ્યા છીએ પણ કર્ણાટકના ઘણા ભાગોમાં સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓના કારણે દેવદાસી કુપ્રથા આજે પણ જારી છે. ફેબ્રુઆરીમાં ૨૨ વર્ષની રુદ્રમ્માએ (નામ બદલ્યું છે) દેવદાસી ન બનવું પડે તે માટે દેવદાસી નિર્મૂલન કેન્દ્રની મદદ માગી હતી. ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તેને દેવદાસી બનતી બચાવી લીધી.તેને શોધતાં શોધતાં અમે વિજયનગર જિલ્લાના કુડલિગી કસ્બામાં તેના ઘરે પહોંચ્યા, જ્યાં રુદ્રમ્મા તેની માતા સાથે ખેતમજૂરી માટે જઇ રહી હતી. રુદ્રમ્મા કહે છે કે તે ભલે આ કુપ્રથાનો હિસ્સો બનતી બચી ગઇ પણ તેના ફેમિલી બેકગ્રાઉન્ડના કારણે તેના પ્રેમીના પરિવારજનોએ લગ્ન માટે ઇનકાર કરી દીધો. હવે તે આ તાણમાંથી બહાર આવી રહી છે અને પરિવારની મદદ કરવા મજૂરીકામ કરી રહી છે. તેણે ક્યારેય આવું જીવન નહોતું વિચાર્યું. તે અભ્યાસ કરતી હતી.ડાન્સ અને ડ્રામામાં રુચિને કારણે ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો હતો. ત્યાંના લોકોને તે એક સેક્સ વર્કર પરિવારમાંથી આવતી હોવાની જાણ થતાં જ ઇન્સ્ટિટ્યૂટના તથા આસપાસના યુવકો મહેણાં મારવા લાગ્યા, જેથી બધું છૂટી ગયું. ઉંમરની સાથે-સાથે સામાજિક વિભાજન દેખાવા લાગે છે. આ સામાજિક ભેદભાવ દૂર થવો જાેઇએ. રુદ્રમ્માની માતા કહે છે કે લગ્નથી બચવા રુદ્રમ્માએ જુઠાણાનો સહારો લીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે દેવદાસી બનવા તેની માતા અને પરિવાર દ્વારા દબાણ કરાતું હતું. બાદમાં તેની માતાએ લેખિત બાંયધરી આપી હતી કે તે તેની દીકરીને દેવદાસી પ્રથાથી દૂર રાખશે. મૂળે આ પ્રથા ધાર્મિક પરંપરા સાથે જાેડાયેલી છે.તેથી કુડલિગીમાં કુડલિગીમાં જ્યારે કોઇ છોકરીને દેવદાસી પ્રથામાં સામેલ કરાય તો તેની શરૂઆત મારમ્મા મંદિરમાં પૂજાપાઠ, અનુષ્ઠાન અને દેવદાસી કન્યા દ્વારા પ્રસ્તુત નૃત્ય અને ગીતથી થાય છે. મંદિરને સમર્પિત કરાયા બાદ અને ભગવાન સાથે લગ્ન બાદ તે કોઇ ભવિષ્ય વિના ઉચ્ચ જ્ઞાતિઓના પુરુષોની સેવા માટે તેમની સેક્સ સ્લેવ બની જાય છે.પત્રકાર કિરણકુમાર બલન્નાનવરન જણાવે છે કે વિજયનગરના હુડલિગે તાલુકામાં ૧૨૦ ગામ છે, જ્યાં અંદાજે ૩ હજાર પૂર્વ દેવદાસીઓ છે. તેમના પુનર્વસનની જવાબદારી સરકારની છે. ૯૦% દેવદાસીઓ અનુસૂચિત જનજાતિઓની (એસટી) છે. બ્રાહ્મણો સહિતના સવર્ણોની છોકરીઓને દેવદાસી નથી બનાવાતી. દેવદાસી બચાવ અને પુનર્વસન સાથે જાેડાયેલા ગોપાલ નાયક જણાવે છે કે દેવદાસીનો ભાઇ નોર્મલ લાઇફ જીવે છે અને તેની પત્નીને આ પ્રથામાં સામેલ નથી કરાતી.