રાજકોટ-

ગોંડલના વેકરી ગામે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુમ થયેલા ટેક્સી ડ્રાઈવર સહિત ડબલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ સાથે જ મિલકત અને લાખો રૂપિયા હડપ કરવા માટે એક યુવકે ટેક્સી ડ્રાઇવર સાથે પોતાના બનેવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

જૂનાગઢના ટેક્સી ડ્રાઇવર અશ્વિન પરમાર પોતાની ઈન્ડીકા કાર સાથે ગુમ થયા હોવાની તેમના પુત્ર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જેથી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. જેમાં ગોંડલ પંથકમાં એક નહી પણ ટેક્સી ડ્રાઇવર સહિત 2 હત્યા થઈ હોવાની વિગતો સામે આવી હતી, ત્યારે પોલીસે ઝડપી પાડેલા નાસીર નામના મુસ્લિમ શખ્સે તેમની બહેન મરીયમ સાથે લગ્ન કરનારા જેતપુર વિરપુરના જેપુર ગામના રમેશ બાલધા અને ટેક્સી ડ્રાઇવર સહિતના વ્યક્તિઓને ગોંડલ નજીક મોતને ઘાટ ઉતાર્યા હતાં. વેકરી ગામે આવેલા ડેમના પાણીમાં કાર સહિત તેમના બનેવીને પૂલ પરથી નાખીને બંનેને મોતને ઘાટ ઉતાર્યા હોવાની પોલીસને કબૂલાત આપતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ, રાજકોટ એલસીબી, ગોંડલ ડીવાયએસપી, તાલુકા પોલીસ, નગરપાલિકા ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યા કાર સાથે પાણીમાં જળસમાધી આપી હતી અને મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં કાર અને મૃતદેહોને બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.પોતાના બનેવીની સાથે હત્યા કરનારા સાળા નાસીર અને તેમની બહેન મરીયમ સાથે રાજકોટની પ્રવિણા નામની મહિલા સહિતનાઓ સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. ત્યારે આ બનાવમાં આરોપીઓએ મૃતક રમેશ બાલધાએ ઉતારેલા રૂપિયા 30 લાખનો વીમો, ખેતીની જમીન અને અન્ય મિલકત હડપ કરવા માટે ભાઈ બહેને લગ્ન કરી બે બે હત્યાઓને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.