વડોદરા-

વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની તરફેણમાં ખુલ્લેઆમ મત ખરીદવામાં આવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં ભારે ઊહાપોહ મચી ગયો છે. કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં વોટના બદલે નોટનો વિવાદ ઉભો થયો છે. પોર ઇટોલા ગામમાં મતદારોને રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થયો છે. રૂપિયા આપનાર અક્ષય પટેલને મત આપવા મતદારોને વાતકરી રહ્યા છે. 100 રૂપિયાની નોટ આપતા હોવાનું દેખાઈ રહ્યું છે. 

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આજે ચૂંટણી માં મતદાન શરૂ થતાં છડેચોક મતોની ખરીદી કરવા માટે રૂપિયાની રેલમછેલ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કરજણ તાલુકાના ગામ માં ભાજપના ઉમેદવાર માટે મત આપવાનું કહી કેટલાક કાર્યકરો એક નંબર ઉપર બટન દબાવવા માટે મતદારોને રોકડા રૂપિયા આપી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થતાં ભારે ઊહાપોહ મચી જવા પામ્યો છે. 

વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને કોંગ્રેસના આગેવાન સહિતના આગેવાનોએ આ વિડીયોની તાત્કાલિક તપાસ કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ માંગણી કરી છે. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા રૂપિયાની સાથે કેટલાક ગામોમાં અનાજની કીટોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. જેથી ચૂંટણી પંચે આ બાબતે તટસ્થતાપૂર્વક તપાસ કરવી જોઈએ.