સુરત-

27 ઓકટોબરે સાંજના સમયે ભરૂચ ટોલ ટેક્ષ પરથી કોંગ્રેસ ઉમેદવારને કારમાં 25 લાખ રૂપિયા આપવા જતા ઝડપાયા હતા. ત્યારે આ મામલે વધુ તપાસ હાથ ધરતા સુરતના બિલ્ડરને ત્યાંથી પૈસા જવાનો ખુલાસો થયો હતો. આથી શહેર ક્રાઈમ બ્રાન્ચે બિલ્ડરના ઘરે તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન વધુ 30 લાખ રોકડ રકમ મળી આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન મુલદ ટોલ પ્લાઝા પાસેથી બ્રેઝા ગાડીમાંથી રોકડા રૂ.25 લાખ સાથે બે જણાને ઝડપી પાડ્યા બાદ તેમની પુછપરછમાં આ પૈસા સુરતના બિલ્ડરે કરજણ બેઠકના કોગ્રેસના ઉમેદવારને પહોચાડવા આપ્યા હોવાની કરેલી કબુલાતને આધારે તપાસ સુરત સુધી લંબાઈ છે. અને ભરુચ પોલીસના ઈન્પુટના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચે રાત્રે સરથાણા શ્યામધામ મંદીર તાપી કિનારે આવેલા રીવેરા ધ ઍટલાન્ટીસ પ્રોજેક્ટની સાઈટ ખાતે રેડ પાડી હતી જેમાં તપાસ દરમિયાન ઓફિસમાંથી વધુ રોકડા રૂપિયા 30.85 લાખ મળી આવતા કબ્જે કર્યા હતા. જાકે બિલ્ડરે તેમણે કરજણ પૈસા મોક્લ્યાનો ઇન્કાર કરી આ રકમ કંસ્ટ્રક્શનની હોવાનું જણાવ્યું

હતું.ગતસાંજે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે મુલદ ટોલ પ્લાઝા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન સુરત તરફથી આવેલી કાર ( નં.જીજે-06-ઍલઇ-2458 ) ને અટકાવી ચેક કરી હતી જેમાં થેલીમાંથી રોકડા 25 લાખ મળી આવ્યા હતા. જે પૈસા અંગે ગાડીમાં બેસેલ ડ્રાઈવર રવિભાઇ લક્ષ્‍મણભાઇ ચોકરીયા વડોદરા અને દિપકસિંહ દશરથસિંહ ચૌહાણને અટકમાં લીધા હતા. અને આ રોકડા રૂપિયા કયાંથી મેળવ્યા છે અને કયાં લઇ જવાના છે તે બાબતે બંનેની પુછપરછ કરતા તેમણે રૂપીયા 25 લાખ સુરતના જયંતિભાઇ લુહાડીયા પાસેથી લઇ કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવા લઇ જતા હોવાની કબૂલાત કરી હતી.