જાે બાયડેન આજે અમેરીકાના ૪૬મા રાષ્ટ્રપતિ બની જશે. દુનિયાના સૌથી પ્રાચીન લોકતંત્રના તેઓ સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપ્રમુખ પણ બનશે. હાલમાં તેમની ઉંમર ૭૮ વર્ષની ઉપર બે મહિના છે. બાયડેન ત્રીજા પ્રયાસમાં અમેરીકાના રાષ્ટ્રપતિ બનવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરી શક્યા છે. આ પહેલાં તેમણે ૧૯૮૭માં અને ૨૦૦૮માં પણ રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારી નોંધાવી હતી, પણ બંને વખતે તેઓ પૂરતું સમર્થન નહોતા પ્રાપ્ત કરી શક્યા. તેઓ બે વખત ઉપપ્રમુખ રહ્યા હતા અને બરાક ઓબામાએ તેમને અમેરીકન ઈતિહાસના શ્રેષ્ઠ ઉપરાષ્ટ્રપતિ ગણાવ્યા હતા.  

બાયડેનના લગ્ન ૧૯૬૬માં થયા હતા. એમની પત્નીનું નામ નેલિયા હતું. બાયડેન કહે છે કે, તેમના થનારા સાસુએ તેમને પુછ્યું હતું કે, તેઓ શું કામ કરે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ એક દિવસ આ દેશના એટલે કે અમેરીકાના રાષ્ટ્રપતિ બનવાના છે. તેઓ ૩૬ વર્ષ સેનેટર રહ્યા અને ૮ વર્ષ ઉપરાષ્ટ્રપતિ રહ્યા. બાયડેનની રસપ્રદ કેટલીક વાતો આ રહીઃ

૧. બાળપણમાં બોલવામાં જીભ થોથવાતી હતીઃ દસ વર્ષના હતા ત્યારે બોલવામાં તેમની જીભ થોથવાતી હતી. તેઓ પોતાની અટક બાયડેન પણ ઠીક રીતે બોલી નહોતા શકતા અને તેથી તેમના મિત્રો તેમને બાય-બાય કહીને ચીડવતા હતા.

૨. ફૂટબોલના ફેનઃ બાયડેન ફૂટબોલના સારા ખેલાડી હતા. તેમણે કહ્યું હતું કે, ફૂટબોલે તેમને જીવનની મુશ્કેલીઓ સામે કેવી રીતે લડવું એ શીખવ્યું હતું. મેદાનમાં ગોલ કરવા માટે બોલને છીનવવાનો સંઘર્ષ મને એ શીખવતો હતો કે, જીંદગીનો ગોલ હાંસલ કરવા માટે પણ બોલ સાથે ગોલપોસ્ટ સુધી જવું જરુરી હતું.


૩. બિમારીને લીધે યુદ્ધમાં જઈ ન શક્યા - બાયડેને સાયરાકસ યુનિવર્સિટીથી લો ની ડિગ્રી લીધી હતી. એ દરમિયાન વિએતનામ સાથે યુદ્ધ શરુ થઈ જતાં તેમનું નામ સૈનિક તરીકે સામેલ કરાયું હતું. જાે કે, અસ્થમા હોવાને લીધે તેમને યુદ્ધ મેદાનમાં જવાનો મોકો નહોતો મળ્યો.

૪. બબ્બેવાર પ્રમુખ બની ન શક્યા ઃ પહેલા ૧૯૮૭માં અને ત્યારબાદ ૨૦૦૮માં એમ બે વખત તેમણે ડેમોક્રેટિક પક્ષમાંથી રાષ્ટ્રપતિ બનવા માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ તેમાં કામિયાબ નહોતા રહ્યા. બીજી વખતે તો તેઓ રાષ્ટ્રપતિપદ માટે સમર્થન મેળવવામાં તેઓ પાંચમા સ્થાને રહ્યા હતા. તેમના સૌથી સારા મિત્રોની યાદીમાં સામેલ બરાક ઓબામાએ તેમને પોતાના કાર્યકાળ દરમિયાન બે વાર ઉપરાષ્ટ્રપતિ રાખ્યા હતા.

૫. જીવનમાં ઘણી મુશ્કેલી વેઠીઃ બાયડેન માને છે કે, ૧૯૭૨નું વર્ષ તેમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું. પત્ની નેલિયા અને પુત્રી નાઓમીનું કાર અકસ્માતમાં મોત થઈ ગયું હતું. આ જ કારમાં તેમના પુત્રો બો અને હંટર પણ હતા, જેઓ સલામત બચી ગયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં આ કાર અકસ્માતમાં બચેલા પુત્રો પૈકીનો બો મગજના કેન્સરને પગલે મોતને ભેટ્યો હતો. બાયડેનની એક પુત્રી એશ્લે છે.

૬. સિદ્ધાંતોને મહત્વ આપે છે ઃ  બાયડેન કહે છે કે, ચેરિયેટ્‌સ ઓફ ફાયર તેમની મનપસંદ ફિલ્મ છે. તેઓ માને છે કે સત્યઘટના પર આધારીત આ ફિલ્મ તેમને વાસ્તવજીવનમાં પણ સાચો રસ્તો બતાવે છે. જીવનમાં ક્યારેક એવા પ્રસંગો આવે છે, જ્યારે તમારે વ્યક્તિગત પસંદગી અને લોકપ્રિયતાને સિદ્ધાંતોને ખાતર જતી કરવી પડે છે. હું પણ સિદ્ધાંતોને બાકી બાબતોથી ઉપર રાખું છું.

૭. આઈસક્રીમ બહુ ભાવે છેઃ બાયડેને ૨૦૧૬માં એક ઈન્ટવ્ર્યુમાં કહ્યું હતું કે, મારું નામ જાે બાયડેન છે અને મારી બાબતમાં બે વાત જાણી રાખો. મને આઈસક્રીમ પસંદ છે અને હું શરાબ તેમજ સિગારેટથી દૂર રહું છું.


૮. ડોગ પાળવાના શોખીન - બાયડેનને પ્રાણીઓ અને ખાસ તો શ્વાન ખૂબ જ પ્રિય છે. એક ઈન્ટવ્ર્યુમાં તેમણે કહ્યું હતું કે, પોતાના લગ્ન પછી તેમણે ૧૯૬૭માં પહેલો કૂતરો ખરીદ્યો હતો. તેનું નામ તેમણે સેનેટર રાખ્યું હતું. તેમની પાસે હાલમાં બે જર્મન શેફર્ડ શ્વાન છે, જેમનાં નામ મેજર અને ચેમ્પ છે.


૯. બીજી પત્ની પ્રોફેસર છે - પોતાની પહેલી પત્નીના અકસ્માતમાં મોતના ૫ વર્ષ બાદ બાયડેને ૧૯૭૭માં બીજા લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્નીનું નામ જિલ ટ્રેસી જેકબ્સ છે. તેઓ ૧૯૭૫માં પહેલીવાર મળ્યા હતા. જિલ પ્રોફેસર છે અને આજે પણ નોકરી કરે છે. જિલ કહે છે કે, બાયડેને તેમને પાંચ વાર પ્રપોઝ કર્યું હતું.

૧૦. પત્નીને પોતાની પથદર્શક માને છે ઃ બાયડેન પોતાની પત્ની જીલને પોતાની શિક્ષિકા માને છે. ૨૦૨૦માં પ્રમુખપદની ચૂંટણી માટે સમર્થન મેળવી શક્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, મારી પત્ની જિલ મને ભરોસો અપાવે છે અને રસ્તો બતાવે છે. તે મારી શિક્ષિકા પણ છે.

૧૧. ઓબામા પણ આશિક છે ઃ બાયડેનની વહીવટી ક્ષમતાઓ પર ઓબામા પણ ઓવારી જતા હતા. તેમણે બાયડેનને પ્રેસિડેન્ટ મેડલ ઓફ ફ્રિડમનો ખિતાબ આપ્યો હતો. ઓબામાએ કહ્યું હતું કે, બાયડેન અમેરીકાના શ્રેષ્ઠ ઉપપ્રમુખ અને સિંહપુરુષ હતા. તેમની સમજ અને ક્ષમતા પર ઓબામાને ક્યારેય શંકા નહોતી થઈ.


જ્યારે બાયડેને આ શબ્દો સાંભળ્યા હતા ત્યારે તેમની આંખો ભીની થઈ હતી અને તેમણે કહ્યું હતું કે, ઓબામાએ તેમને તેમની ક્ષમતાથી વધારે ઈજ્જત આપી હતી અને તેમના માથે તેમનું ઋણ રહ્યું. તેમની આ વાતે તેઓ ખરાબ સમયમાં પણ તૂટ્યા નહોતા.