રાજપીપળા, રાજપીપળા પાલિકામાં ભાજપને ૨૮ માંથી ૧૬ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી છે.રાજપીપળા પાલીકામાં આ વખતે સૌથી વધુ યુવા ઉમેદવારો ચૂંટાતા શહેરનું ભવિષ્ય જનતાએ યુવાનોને સોંપ્યું છે.રાજપીપળા પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ રાજપીપળા પ્રાંત અધિકારી કે.ડી.ભગતના અધ્યક્ષ સ્થાને પાલિકા સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ૧૭/૦૩/૨૦૨૧ ના રોજ સભા મળી હતી.એ સભામાં ચૂંટાયેલા ૨૮ સભ્યો માંથી ૫ સભ્યો પૈકી નિલેશસિંહ આટોદરિયા, મીનાક્ષી બેન આટોદરિયા, ઈશમાઈલ ઉષ્માનગની મન્સુરી, સાબેરાબેન, સુરેશભાઈ માધુભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા.આ સભામાં રાજપીપળા પાલિકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ પદ માટે હેમંતભાઈ નાગજીભાઈ માછીની બિનહરીફ વરણી થઈ હતી, જ્યારે કારોબારી ચેરમેન તરીકે સપનાબેન વસાવા, પક્ષના નેતા તરીકે વિરેન્દ્રસિંહ ગોહિલ અને દંડક તરીકે કાજલબેન પંકિલભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહ ગોહિલ ૨૭ વર્ષની નાની ઉંમરે રાજપીપળા પાલિકા પ્રમુખ બન્યા છે તો તેઓને આખા ગુજરાત રાજ્યની નગરપાલિકામાં સૌથી નાની વયના પ્રમુખ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહ ગોહિલના દાદા ડો.જે.સી.ગોહિલ વર્ષ ૧૯૯૬ માં એક વાર જ્યારે એમના પિતા સ્વ.અલકેશસિંહ ગોહિલ વર્ષ ૨૦૦૦, ૨૦૦૨ અને ૨૦૧૫ એમ ત્રણ વાર રાજપીપળા પાલિકા પ્રમુખ બન્યા હતા.આમ દાદા, પિતા બાદ પૌત્ર રાજપીપળા પાલિકા પ્રમુખ બનતા એક જ પરિવારની ૩ પેઢીએ પાલિકા પ્રમુખ પદ શોભાવ્યું હોવાનો અનોખો ઈતિહાસ પણ સર્જાયો છે.