09, મે 2025
ગાંધીનગર પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજાેગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરાઇ છે. એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. દેશમાં પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજા રદ્દ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી છે. આ માહિતી મુજબ રાજ્ય સરકાર તમામ વિભાગો, કોર્પોરેશન, પંચાયત, બોર્ડ-નિગમ સહિત તમામ વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ રજા પર રહેલા કર્મચારીઓને પરત બોલાવવા અંગે પણ વિભાગના વડાઓને સૂચના અપાઈ છે. આ ઉપરાંત મંજૂરી વગર મુખ્ય મથક (હેડક્વાર્ટર) ન છોડવા અંગેની પણ સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારા આ અંગે સોશિયલ મીડિયા એકસ પર ટ્વિટ કરીને જણાવ્યું છે કે, રાજ્ય અને દેશમાં પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયતો, મહાનગરપાલિકાઓ અને સ્વાયત્ત તેમજ અનુદાન-સહાયિત સંસ્થાઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આ અંગે સંબંધિત વિભાગો અથવા કચેરીઓના વડાઓને પણ સૂચનાઓ અપાઈ છે કે, હાલમાં રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થાય તે સુનિશ્ચિત કરવા માટે આદેશ કરાયો છે, વધુમાં, અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક છોડવા નહીં તેવી સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી દ્વારા આદેશ કરાયા બાદ ગુજરાત પોલીસ પછી આરોગ્ય વિભાગ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓની રજા રદ કરવા અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા રજા પર રહેલા તબીબો તથા પેરામેડિકલ સ્ટાફને પણ મુખ્ય મથક (હેડ ક્વાર્ટર) પરત ફરવાના આદેશ કરાયા છે. આ ઉપરાંત વિભાગના વડાની પૂર્વ મંજૂરી વગર મુખ્ય મથક ન છોડવા માટેના પણ આદેશ કરાયા છે. તો બીજી તરફ, એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આરોગ્ય કર્મીઓની રજા રદ કરવામાં આવી છે. એટલું જ નહીં, મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમોને તૈનાત રહેવાની પણ સૂચના અપાઈ છે. આ આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સાહિતને માહિતી અપાઈ હતી. સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો છે. ઈમરજન્સી માટે તબીબોની સિવિલ હોસ્પિટલમાં ટીમને ખડેપગે તૈયાર કરાઈ છે.