દિલ્હી-

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતા મધ્ય પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત મધ્ય પ્રદેશની રાજકીય પરિસ્થિતિઓ અને વિષયોને લઈને થઈ રહી છે. મુખ્યમંત્રીની અચાનક બે દિવસમાં દિલ્હીની બે મુલાકાતોએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે, એ પણ ત્યારે જ્યારે દિલ્હીમાં સતત પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્મા, સુહાસ ભગત અને મધ્ય પ્રદેશના મોટા નેતા ચક્કર લગાવી ચૂક્યા છે.

કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ પટેલ પણ બે દિવસ પહેલા અમિત શાહ, ઉમા ભારતી અને બીજા મોટા નેતાઓ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આવામાં રાજકીય હલચલ તેજ થવી માની શકાય છે. જાે કે જાણકારોનું માનવું છે કે મધ્ય પ્રદેશમાં મોટા બદલાવ તો થવાના છે, પરંતુ કયા સ્તર પર થશે તે કહેવું થોડુંક મુશ્કેલ છે, પરંતુ બની શકે છે કે આવનારા દિવસોમાં મધ્ય પ્રદેશની રાજનીતિ ઘણી ઝડપથી બદલાઈ શકે છે. જાે કે આ પ્રકારની સ્થિતિ લગભગ એક મહિના પહેલા પણ બનવા લાગી હતી, જ્યારે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને કૈલાશ વિજયવર્ગીયએ પોતાના નિવેદનથી બદલાવના સંકેત આપી દીધા હતા, પરંતુ બાદમાં બંનેએ સ્પષ્ટીકરણ આપીને મુખ્યમંત્રી બદલવાની અટકળો પર વિરામ લગાવી દીધું હતું. એકવાર ફરીથી પરિસ્થિતિઓ કોઈક મોટી હલચલ તરફ ઈશારો કરી રહી છે, પરંતુ નેતાઓ કોઈપણ પ્રકારનું નિવેદન કરવાથી બચી રહ્યા છે. બીજેપી મુખ્યમંત્રીઓની મુલાકાતોને ફક્ત સૌજન્ય મુલાકાત ગણાવી રહી છે. તો કાૅંગ્રેસ આ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે બીજેપીએ હાલમાં જ કર્ણાટકમાં આવું કર્યું છે. કર્ણાટકમાં યેદિયુરપ્પાને સીએમ પદેથી હટાવીને બાસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આવા બદલાવ અન્ય રાજ્યોમાં પણ જાેવા મળી શકે છે.