ટોક્યો
ભારતીય સ્ટાર મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કરતા ટોક્યો ઓલિમ્પિકના ટેબલ ટેનિસ વીમેન્સ સિંગલ્સ ઇવેન્ટના ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી છે. તેણે બે ગેમથી પાછળ રહ્યાં બાદ શાનદાર વાપસી કરતા યૂક્રેનની મારગ્રેટ પેસોત્સકાને રોમાંચક મુકાબલામાં ૪-૩થી પરાજય આપ્યો છે.
મનિકા બત્રાને લય હાસિલ કરવામાં થોડી મુશ્કેલી થઈ પરંતુ તે અંતમાં ૫૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૦મી રેન્કિંગની યૂક્રેની ખેલાડીને ૪-૧૧, ૪-૧૧, ૧૧-૭, ૧૨-૧૦, ૮-૧૧, ૧૧-૫, ૧૧-૭ થી હરાવવામાં સફળ રહી હતી. જ્યારે મનિકા પાછળ હતી ત્યારે દબાવમાં હોવા છતાં તેણે લાંબી રેલીઓ રમી તથા પોતાના શોટ પર કંટ્રોલ બનાવી રાખ્યો હતો.
મનિકાને શરૂઆતમાં લય હાસિલ કરવામાં મુશ્કેલી થઈ અને યૂક્રેની ખેલાડીએ પ્રથમ બે ગેમ પોતાના નામે કરી લીધી હતી. મનિકાની પાસે તેના ફોરહેન્ડ અને સ્મેશનો કોઈ જવાબ નહતો. મનિકા ત્રીજી ગેમની શરૂઆતમાં પાછળ ચાલી રહી હતી પરંતુ તેણે ૬-૬થી સ્કોર બરાબર કર્યો અને પછી ગેમ પોતાના નામે કરી હતી.
ચોથી ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો. મનિકાએ આ ગેમમાં ૬-૪ની લીડ ગુમાવી અને બંને ખેલાડી બરોબરી પર આગળ વધી રહી હતી. મનિકાએ બીજા ગેમ પોઈન્ટ પર મેચને ૨-૨થી બરોબર કરી લીધી હતી.
યૂક્રેનની ખેલાડીએ પાંચમી ગેમની શરૂઆતમાં લીડ મેળવી પરંતુ મનિકાએ વાપસી કરતા સ્કોર ૮-૮થી બરોબર કરી લીધો હતો. આ વચ્ચે તેની સ્મેશ જોવા લાયક હતી. પેસોત્સકાએ સતત ત્રણ પોઈન્ટ મેળવી મેચમાં ફરી લીડ હાસિલ કરી લીધી હતી.
મનિકા છઠ્ઠી ગેમમાં ૨-૫થી પાછળ ચાલી રહી હતી પરંતુ તેણે ત્યારબાદ ૯ પોઈન્ટ બનાવી સ્કોર ૩-૩થી બરાબર કરી દીધો હતો. નિર્ણાયક ગેમમાં મનિકાએ પોતાની રમત પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ત્યારબાદ મનિકાએ અંતિમ ગેમ પોતાના નામે કરી શાનદાર જીત મેળવી હતી.
Loading ...