25, જુન 2025
ભાવનગર |
2277 |
ભાવનગરના પાડવા પાવર પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, એને બુઝાવવા માટે ભાવનગર, તળાજા અને પાડવા ફાયર બ્રિગેડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ. કલાકો સુધી ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
ભાવનગર જિલ્લાના બાડી ગામે આવેલા પાડવા પાવર પ્લાન્ટના ૫૦૦ મેગાવોટ પાવર સ્ટેશનમાં ભયંકર આગ લાગી હતી. પાવર પ્લાન્ટના યુનિટ ૧ અને ૦ મીટર ટર્બાઈનમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ અધિકારી-કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ભાવનગર ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી.
જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ તળાજા અને પાડવા ફાયર બ્રિગેડને પણ કોલ આપવામાં આવ્યો હતો. ત્રણ-ત્રણ ફાયર બ્રિગેડની ટીમોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
આગના આ બનાવમાં પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયુ હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, હજી નુકસાનનો આંકડો અને આગ લાગવાનું કારણ હજીસુધી જાણી શકાયુ નથી.