રાજકીય પક્ષની છાપમાંથી બહાર જ નહીં આવી શકેલા પાલિકાના વર્તમાન શાસકો પાસે વિકાસ માટે નથી કોઈ નકકર રોડમેપ, નથી અભિભુત થઈ જવાઈ એવી દ્રષ્ટિ કે નથી દુરંદેશી.નાના બાળકો ઘર ઘર રમતા હોય એ રીતે તેઓ વહિવટ ચલાવે છે (ખરેખર તો ‘વહિવટ કરે છે’) લગભગ ૨૫ લાખની વસ્તી ધરાવતી એક સમયની આ આદર્શ નગરીની હાલત આજે ચોતરફ બાયપાસ વચ્ચેના વિશાળ ઉકરડાથી વિશેષ કાંઈ જ નથી. માત્ર બણગાં ફૂંકવા અને રોડ-ગટર જેવા રોજીંદા કામો કરી સેવાને સમર્પિત હોવાનો દેખાવ કરી પાછલે બારણે ખીસ્સા ભરવા સિવાય પણ જનસામાન્યના લાભની અન્ય કોઈ વાત હોઈ શકે એની પ્રતીતિ તો ઠીક એવી કલ્પના સુદ્ધાં એમનામાં નથી.રખડતી ગાયોએ કેટલાનો ભોગ લીધો એની ચિંતા જેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું તેમના પર છોડી દઈ આ નફ્ફટ શાસકો તેઓ પૈકી કોઈ પોતે ‘શિંગડે’ ભેરવાશે ત્યાં સુધી નિષ્ક્રિય જ રહેશે ?!!