600 મેટ્રિક ટન નકલી ઘી પકડાતા દૂધસાગર ડેરીના એમડી સસ્પેન્ડ
25, જુલાઈ 2020

મહેસાણા-

રાજ્ય સરકારના નિર્દેશોના પગલે મહેસાણા સ્થિત દૂધસાગર ડેરી (મહેસાણા જિલ્લા દૂધ સહકારી ફેડરેશન લિ.) એ તેના મેનેજિંગ ડિરેક્ટર નિશિત બક્ષીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને રાજ્ય સરકારને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. અમૂલ, સાગર અને અન્ય બ્રાન્ડ હેઠળ બનાવવામાં આવતુ ૬૦૦ મેટ્રિક ટન નકલી ઘી પકડાતા સરકારે ડેરી બોર્ડને કડક કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.

સહકારી મંડળના રાજ્ય રજિસ્ટ્રારે તમામ જવાબદાર સામે તપાસ અને કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યુ છે કે દૂધસાગર દ્વારા બનાવવામાં આવેલ ૬૦૦ મેટ્રિક ટન ઘીમાં પામ ઓઈલની ભેળસેળ કરવામાં આવી હતી. દૂધસાગર દ્વારા પેક કરવામાં આવેલ ૧૧૮ બેચમાં ૧૬% પામ ઓઈલ ભેળસેળ કરાયાનુ જાણવા મળ્યુ છે. વધુ ૫૨૨ મેટ્રિક ટન ઘી ડેરીના ગોડાઉનમાં છે જેના નમૂના લઈને તેની પણ તપાસ કરવામાં આવશે. જાે તેમાં પણ ભેળસેળ જણાઈ તો તેને દૂધસાગર ડેરીમાં પાછુ મોકલવામાં આવશે અને તેના નુકશાન માટે ચાર્જ કરવામાં આવશે.

સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ડી પી દેસાઈએ આદેશમાં જણાવ્યુ હતુ કે દૂધસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર વિરુદ્ધ બેદરકારીનો સ્પષ્ટ કેસ અને ડિરેક્ટર મંડળે તેમને સસ્પેન્ડ કરવા જણાવ્યુ છે કારણકે તપાસ દરમિયાન તે કામ ચાલુ રાખી શકે નહિ. અધિકારીએ જણાવ્યુ કે તપાસ ચાલુ હોવા છતાં ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્ઝ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનએ પણ આ સમગ્ર રેકેટમાં સ્વતંત્ર તપાસ હાથ ધરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution