વડોદરા

વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા શહેરમાં કોવિદ-૧૯ ની હોસ્પિટલોની મંજૂરી આપવામાં આવે છે. આ હોસ્પિટલોની મંજૂરી કેટલીક શરતોને આધીન આપવામાં આવે છે. પરંતુ કોવિદ-૧૯ની હોસ્પિટલો દ્વારા પાલિકાના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તેમ છતાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આવી હોસ્પિટલો સામે આકરા પગલાં લેવાના બદલે આંખ આડા કાન કરવામાં આવે છે. જેને કારણે આ હોસ્પિટલના સંચાલકો જાણે કે પાલિકાના કાયદાઓની સાથોસાથ અધિકારીઓને પણ ખિસ્સામાં લઈને ફરતા હોય એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જેને લઈને કોવિદ-૧૯ હોસ્પિટલોને કોરોનાના દર્દીઓના મેડિકલ વેસ્ટને નિયમ મુજબ નિકાલ કરવાના કડક નિયમોનું હોસ્પિટલો દ્વારા પાલન કરવામાં આવતું નથી. બલ્કે આ મેડિકલ વેસ્ટ ઉઠાવનારાઓ દ્વારા તગડી રકમ લેવામાં આવતી હોવાથી એનો ખર્ચ બચાવવાને માટે આવા મેડિકલ વેસ્ટને શહેરની ર્નિજન જગ્યાઓમાં છોડી દઈને શહેરીજનોના આરોગ્યની સાથે ખેલવાડ કરવામાં આવે છે. તેમ છતાં પાલિકાનું આરોગ્ય વિભાગ અને એના જવાબદાર અધિકારીઓ આ બાબતે ગાંધીજીના ત્રણ વાંદરાની માફક એની સામે કોઈપણ પ્રકારના પગલાં લેતા નથી કે આવું મેડિકલ વેસ્ટ કોણ અને કઈ હોસ્પિટલનું ત્યજી ગયું છે. એ બાબતની તપાસ સુધ્ધાં કરવાની આરોગ્ય વિભાગ તસ્દી લેતું નથી. જેને લઈને કોવિદ-૧૯ના દર્દીઓના મેડિકલ વેસ્ટને જ્યાંત્યા ત્યજીદેવાને લઈને જાહેર આરોગ્યને માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. અગાઉ મંગલ પાંડે માર્ગ પર પણ કોવિદ-૧૯ હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો ત્યારબાદ હવે સુભાનપુરા વિસ્તારની ર્નિજન જગ્યામાં કોરોનાના દર્દીઓનો મેડિકલ વેસ્ટ ત્યજી દેવાયેલો મળી આવ્યો છે. આ મેડિકલ વેસ્ટ આજ વિસ્તારની આસપાસની કોવિદ-૧૯ હોસ્પિટલ દ્વારા ત્યજી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.