અમદાવાદ-

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને અઠવાડિયામાં બીજી વખત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં 8 વિધાનસભાના ઉમેદવારના નામ અંગે ચર્ચા થઇ હતી. પહેલી બેઠકમાં પાંચ બેઠકોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકોમાં ચર્ચાયેલા અને મહોર લાગેલા નામોને કેન્દ્રીય મંત્રી મંડળને મોકલી આપવામાં આવશે અને આખરી નિર્ણય કેન્દ્રીય મંત્રી મંડળ કરશે. 

સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ જુદી-જુદી આઠ બેઠકો ઉપર કેટલાક નામોની ચર્ચા થઈ છે. જે પ્રમાણે અબડાસાની બેઠક માટે પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી બેઠકમાં બ્રિજેશ મેરજાનું નામ નક્કી હોવાનું મનાય છે. જ્યારે કપરાડા બેઠકમાં જીતુ ચૌધરી, કરજણ બેઠકમાં અક્ષય પટેલ અને ધારી બેઠકમાં જે.વી.કાકડિયાનું નામ નક્કી હોવાનું મનાય છે. ગઢડા બેઠકમાં પૂર્વ કેબિનેટ પ્રધાન આત્મારામ પરમાર અને અનુસૂચિત મોરચાના પ્રમુખ શંભુનાથ ટુંડિયાનું નામ ચર્ચામાં છે. જ્યારે લીંબડી બેઠકમાં પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા અને સુરેન્દ્રનગરના ભાજપના જિલ્લા મહામંત્રી જગદીશ મકવાણા નામની પણ ચર્ચા થઈ રહી છે. ડાંગ બેઠક માટે વિજય પટેલ, રાજેશ ગામીત અને બાબુ મૌર્યનું નામ પણ ચર્ચામાં છે.