ગીર સોમનાથ-

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી રહી છે. અહીં સુત્રાપાડા, કોડિનાર અને ઉનાના દરિયાકાંઠાનાં ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડામાં ૮ કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કોડિનારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનાં ગામોમાં વરસાદ ખાબક્યો છે. તો વેરાવળમાં પોણોથી ૧.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ બન્યા છે. આજે વહેલી સવારથી ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં એકથી ૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ બન્યો છે. વરસાદથી ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. માંગરોળમાં કામનાથ મહાદેવ મંદિર નજીક ઓળી નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તાલાલા અને ગીર ગઢડામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદથી દરિયાકાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયાં છે. આમ લાંબા બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થયું છે. રાજ્યમાં આજે સવારથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે. સવારે ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે.