27, નવેમ્બર 2020
મહેસાણા-
રાજ્યમાં દરરોજ અકસ્માતના અનેક બનાવો સામે આવતા રહે છે. મહેસાણામાં આવા જ એક અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરતા હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો. જે બાદમાં હાઈવે પર વાહનોની ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો છે કે તેમણે અનેક વખત રજુઆત કરી હોવા છતાં અહીં અંડરબ્રિજ નથી બનાવવામાં આવતો. લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માંગણી નહીં માને તો ભવિષ્યમાં પણ તેઓ રસ્તો બ્લોક કરશે. સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બંને વ્યક્તિઓ ટિફિન લઈને બાઇક પર સવાર થઈને કામ પર જઈ રહ્યા હતા. અકસ્માત બાદ ટિફિટ અને તેમાં રહેલું શાક-રોટલી સહિતનો સમાન રોડ પર જ પડેલો જોવા મળ્યો હતો. આ એવા દ્રશ્યો હતા જેને જોઈને ભલભલાનું કાળજું કંપી જાય.
મળતી માહિતી મુજબ ઊંઝા સિદ્ધપુર હાઇવે પર મકતુંપુર ગામ નજીક એક અકસ્માત થયો છે. એક ટ્રલરે બાઇક સવાર બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોનાં મૃત્યુ થયા છે. અકસ્માત બાદ ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને હાઇવે પર વાહનોને અટકાવી દીધા હતા. લોકો રસ્તા પર જ બેસી ગયા હતા. જેના પગલે ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. બનાવની જાણ થયા બાદ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે લોકોને સમજાવીને મહામહેનતે રસ્તા પરથી ખસેડ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. આશરે બે કલાક સુધી અહીં ટ્રાફિકજામ રહ્યો હતો. મુખ્ય હાઇવે બે કલાક બંધ રહેતા ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.