એર સ્ટ્રાઇક બાદ ગુજરાતનાં શહેરોમાં બ્લેક આઉટ સહિત મોક ડ્રિલ યોજાઈ
07, મે 2025

અમદાવાદ, પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં ગઈકાલે મોકડ્રિલનું આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં પણ સાંજે ૪ વાગ્યે સાયરન વગાડી મોકડ્રિલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મોકડ્રિલ બપોરના ૪ વાગ્યાથી શરૂ થઈ હતી. એ પછી શહેરોમાં બ્લેક આઉટની પણ શરૂઆત થઈ ગઈ હતી. અમદાવાદ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, સહિતના શહેરોમાં લોકોએ બ્લેક આઉટ દરમિયાન ઘરોમાં લાઈટો બંધ રાખી હતી.આ દરમિયાન અમદાવાદમાં ફાયરના પાઇપમાં ખામી સર્જાતા કર્મચારીઓ આગ કાબૂમાં લેવા ફાંફે ચઢ્યા હતા. મોકડ્રિલમાં જ ક્ષતિ સામે આવી હતી જાે ખરેખરમાં આવી સ્થિતિ ઉભી થાય તો ફાયર વિભાગ કેવી રીતે ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરી શકે એ પણ મોટો સવાલ છે.આ મોકડ્રિલ દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, નવસારી અને ભરૂચ જેવા વિવિધ શહેરોના લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી.. મોકડ્રિલ દરમિયાન સાયરનો વગાડવામાં આવ્યા હતા. તેમજ દર્દીઓને કેવી રીતે દાખલ કરવા તેની પણ મોકડ્રિલ કરવામાં આવી હતી. સાંજે સાડા ૭.૩૦થી ૯.૦૦ વાગ્યા દરમિયાન બ્લેક આઉટ પણ કરાયો હતો.પૂર્વ ગુજરાતના સાત જિલ્લા ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં ૭.૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી બ્લેકઆઉટ યોજાયો હતો. પશ્ચિમ ગુજરાતના ૫ જિલ્લા જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં ૮:૦૦ થી ૮.૩૦ સુધી બ્લેક આઉટ રહ્યો હતો. મધ્ય ગુજરાતના ૬ જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં ૮.૩૦થી ૯:૦૦ વાગ્યા સુધી બ્લેક આઉટ રહ્યો હતો.મોક ડ્રીલ વખતે રાખવામાં આવતી તકેદારીની માહિતી આપવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ‘આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે, તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.’ ચેતવણી આપવામાં આવી ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાઇરનને સમજ્યા હતા. જેમાં (૧) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતી લાંબી સાઇરન વાગી હતી. (૨) ઓલ ક્લીયર સિગ્નલ: જેમાં ટૂંકી અને સ્થિર સાઇરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવાયું હતું.મોક ડ્રીલ દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કેવી રીતે કરવી જાેઈએ તે સમજાવાયું હતું. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવા તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવા સમજાવાયું હતું.રાજ્યમાં સાંજે ૭.૩૦થી ૯.૦૦ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહ્યો હતો. જે દરમિયાન ઘરો, ઑફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરી દેવાઈ હતી. નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવી તેનું લોકોએ પાલન કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution